• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારત-બાંગ્લાદેશ સીમા : એ દેવી જેની હિંદુ અને મુસલમાન કરે છે પૂજા

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

બાંગ્લાદેશના કુમિલ્લામાં એક પૂજાપંડાલમાંથી કુરાન મળવાની ઘટના બાદ ફેની, કિશોરગંજ, ચાંદપુર સહિત અનેક શહેરોમાં દુર્ગાપૂજાના પંડાલો તથા હિંદુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા હતા.

બુધવારથી શરૂ થયેલી આ હિંસામાં અત્યાર સુધીમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે.

આ મામલે અનેક જિલ્લામાં કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કેટલાક કિસ્સામાં નામજોગ તો કેટલાક સ્થળોએ સેંકડોથી હજારો અજ્ઞાત લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ભારત સરકારે બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા પર ચિંતા પ્રગટ કરી છે. તો બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે ભારતમાં જો કંઈ થાય તો તેની સામે કાર્યવાહી કરવી રહી, કારણ કે ભારતમાં જે કંઈ થાય છે, તેની પ્રતિક્રિયા બાંગ્લાદેશમાં પણ પડે છે.

બીજી બાજુ, બાંગ્લાદેશના ગૃહમંત્રીનું કહેવું છે કે ચોક્કસ લોકો દ્વારા ઉશ્કેરણી કરવામાં આવી હતી. કોમિલ્લા જ નહીં, પરંતુ રામુ તથા નાસિરનગરમાં હિંસા દ્વારા દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પુરાવા મળ્યે તેને સાર્વજનિક પણ કરવામાં આવશે.

બાંગ્લાદેશમાં હિંસાને પગલે હિંદુ મુસ્લિમો વચ્ચે તણાવની સ્થિતિ છે, ત્યારે ભારત-બાંગ્લાદેશની સરહદ પર એક સ્થળ પણ છે જ્યાં હિંદુ અને મુસ્લિમ એક જ દેવીની પૂજા કરે છે.

ઇસ્લામમાં મૂર્તિપૂજાનો નિષેધ છે. સામાન્ય રીતે મુસ્લિમોને મૂર્તિપૂજાના વિરોધી માનવામાં આવે છે તથા મૂર્તિપૂજકોને 'કાફિર' તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે દેવીપૂજા ચોક્કસપણે આશ્ચર્યજનક છે.

ગંગા નદીના કિનારે ડેલ્ટામાં આવેલું છે સુંદરવન, જે વિશ્વનું સૌથી મોટું કીચડવાળું જંગલ છે. યુનેસ્કો દ્વારા તેને દુનિયાની અજાયબીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે.


હિંદુ અને મુસલમાનોની દેવી

સુંદરવનમાં અનેક પ્રકારનાં પશુ, સાપ તથા હિંસક પ્રાણીઓ જોવાં મળે છે. છતાં સદીઓથી તેઓ સુંદરવનમાં સાથે રહે છે. અહીં 45 લાખ કરતાં વધુ લોકો વસે છે. જેમનો મુખ્ય વ્યવસાય માછલી પકડવાનો છે.

તેઓ લાકડાં વીણવાં તથા મધ એકઠું કરવા જંગલમાં જાય છે. વનપેદાશો પર આધારિત લોકો ઉપર વાઘ, મગરમચ્છ, સાપ કે અન્ય કોઈ સ્વરૂપે ક્યારે મોત આવી પડે તે નક્કી નથી હોતું. છતાં જીવન ટકાવી રાખવા માટે તેમણે આ જોખમ લેવું પડે છે.

આ બધાં જોખમોની વચ્ચે સુંદરવનના ગ્રામજનોને એક દેવી પ્રત્યેની આસ્થા એક રાખે છે. ભારત તથા બાંગ્લાદેશ એમ બંને તરફના નિવાસીઓ આ દેવીને માને છે. જેમાં હિંદુઓ તથા મુસ્લિમોનો પણ સમાવેશ થાય છે. જેઓ સદીઓથી સાથે રહે છે.

અમીર હોય કે ગરીબ તમામ લોકો જંગલમાં જતાં પહેલાં આ દેવી સમક્ષ માથું નમાવે છે. સુંદરવનના હિંદુ-મુસ્લિમોમાં આ દેવી 'વનબીબી' તરીકે ઓળખાય છે. ત્રણ મોટી નદીઓ સુંદરવન વિસ્તારમાં દરિયામાં ભળે છે.

એ પહેલાં નાની-નાની ધારા સ્વરૂપે તે કીચડવાળા વિસ્તારોમાંથી પસાર થાય છે. જેમ દરેક વાવાઝોડાં પછી નદીઓ વચ્ચેનો તફાવત નાબૂદ થઈ જાય છે, તેમ વનબીબી પાસે હિંદુ-મુસ્લિમનો તફાવત ઓગળી જાય છે, બંને સાથે મળીને તેમની પૂજા કરે છે.


શું છે વનબીબી દેવીની કહાણી?

મનુષ્યોની જંગલમાં પેશકદમીથી લોકો ઉપર વાઘોના હુમલા વધ્યા

સુંદરવનમાં રહેતા શંભુનાથ મિસ્ત્રીએ બીબીસીનાં કલ્પના પ્રધાનને જણાવ્યું હતું, "વન્યજીવ જ્યારે હુમલો કરે છે, ત્યારે તે હિંદુ કે મુસ્લિમનો ભેદ નથી કરતું. એટલે બંને સમુદાયના લોકો વનબીબી સમક્ષ નતમસ્તક થઈ જાય છે."

'વનબીબી'નો મતલબ જંગલની મહિલા એવો થાય છે, પરંતુ સ્થાનિકો વનબીબીને 'સુંદરવનની સંરક્ષક દેવી' તરીકે પણ ઓળખે છે. હિંદુ અને મુસ્લિમો માને છે કે તેમની સુરક્ષા માટે જ સ્વર્ગમાંથી તેમને મોકલવામાં આવ્યાં છે.

સુંદરવનમાં પ્રચલિત માન્યતા પ્રમાણે, વનબીબીનો જન્મ સાઉદી અરેબિયાના મુસ્લિમ પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ હજ માટે મક્કા ગયાં હતાં, ત્યારે તેમને દૈવી શક્તિ હાંસલ થઈ હતી. એ પછી તેઓ પાંચ હજાર કિલોમીટર દૂર સુંદરવન આવી ગયાં.

જ્યારે વનબીબી સુંદરવન આવ્યાં, ત્યારે અહીં નરભક્ષી વાઘોનો ત્રાસ હતો અને જંગલ પર 'દક્ષિણ રાય' નામના રાક્ષસનું રાજ હતું. વનબીબીએ તેને હરાવી દીધો. જ્યારે દક્ષિણરાયે દયાની ભીખ માગી ત્યારે વનબીબીએ તેને માફી પણ આપી દીધી.

બદલામાં વનબીબીએ રાક્ષસ દક્ષિણરાય પાસેથી વચન માગ્યું કે તે વાઘોને મનુષ્યો પર હુમલા કરતા અટકાવશે.

આ રીતે વનબીબી જંગલનાં શાસક બની ગયાં છે. સ્થાનિકોનું માનવું છે કે દક્ષિણરાય જંગલમાં છુપાઈ ગયો હતો અને હવે વાઘસ્વરૂપે લોકો પર હુમલા કરે છે.


મુસ્લિમો દ્વારા મૂર્તિપૂજા

https://www.youtube.com/watch?v=AIMOez_OJTM

સામાન્ય રીતે મુસ્લિમો કોઈ મૂર્તિ સામે માથું નથી નમાવતા, પરંતુ સુંદરવનમાં એવું નથી અને તેઓ વનબીબી સામે નતમસ્તક થઈ જાય છે. એટલું જ નહીં, તેઓ હિંદુઓની જેમ જ વનબીબીને દૂધ, ફળ, મીઠાઈ તથા અન્ય ચીજોનો ભોગ ચડાવે છે.

વનમાંથી મધ એકઠું કરવાનું કામ કરતા હસન મુલ્લાના કહેવા પ્રમાણે, વનબીબી સ્થાનિક મુસ્લિમોના જીવનનો અતૂટ હિસ્સો છે. હિંદુ તથા મુસ્લિમ એકબીજાના ધાર્મિક કાર્યક્રમોમાં એકબીજાને આમંત્રણ આપે છે. આ સિવાય તેઓ વનદેવીને ભોગ પણ ચડાવે છે.

જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં વનબીબીનો તહેવાર આવે એટલે બંને સમુદાય સાથે મળીને તેને ઊજવે છે. બંને સમુદાયના લોકો મંદિરની બહાર એકઠાં થાય છે, ત્યારે પૂજારી દક્ષિણરાયનો કિસ્સો સંભળાવે છે અને મહિલાઓ વનબીબીનું વ્રત રાખે છે. વનબીબીની અનેક પ્રતિમાઓ સુંદરવનનાં જંગલોમાં મળી આવે છે.

બંને સમુદાય માને છે કે વનબીબી જાનવરોથી તેમનું રક્ષણ કરે છે. તેઓ શીખ આપે છે કે તમારી જરૂરિયાતો પૂર્ણ થઈ જાય એટલે તમે જંગલમાંથી પરત ફરી જાવ અને વધુ લાલચમાં ન પડો.

વાઘ હુમલો કરે તો બંને સમુદાયના લોકો સાથે મળીને તેને ભગાડે છે તો ઘણી વખત વનવિભાગના કર્મચારીઓ પકડાયેલા વાઘને પણ જંગલમાં છોડી જાય છે.

શંભુનાથ મિસ્ત્રી કહે છે કે જો બંને સમુદાય લોકો મળીને રહેતા હોય તો વાઘ પણ હુમલો કરવાની હિંમત નથી કરતો.

રૉયલ બંગાલ ટાઇગર ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી હોય છે. તે પોતાના શિકાર પર પાછળથી હુમલો કરે છે અને પહેલાં તેના જમણા હાથને તોડી નાખે છે. પછી તેની પાંસળી, અન્નનળી તથા ફેફસાં પર હુમલો કરે છે.

વાઘને થાપ આપવા માટે મધ એકઠું કરનારા તથા માછીમારો પોતાના ચહેરા પાછળ મુખવટો લગાવીને રાખે લે છે. જેથી કરીને વાઘને લાગે કે વ્યક્તિ તેની સામે ઊભી છે.


હિન્દુ-મુસ્લિમોમાં નારાજગી શેની?

આધુનિક સમયની સાથે હિંદુ-મુસ્લિમોની આસ્થાના કેન્દ્ર પર સંકટ તોળાતું જણાય છે. અનેક હિંદુઓ એ વાત પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે કે મુસ્લિમો દ્વારા તેમની દેવીની પૂજા શા માટે કરવામાં આવે છે ?

તેઓ દેવીના મુસ્લિમ નામ 'વનબીબી' પર પણ નારાજગી વ્યક્ત કરે છે. મુસ્લિમોમાં મહિલાઓને બીબી તરીકે સંબોધિત કરવામાં આવે છે.

બીજી બાજુ, મુસ્લિમોનો એક વર્ગ તેને 'મૂર્તિપૂજા' તરીકે જોવા લાગ્યો છે તથા તેની સામે વાંધો વ્યક્ત કરે છે.

સ્થાનિકોનું કહેવું છે કે કેટલાક લોકો વનબીબીને આપેલું વચન તોડીને પોતાની જરૂરિયાતથી વધુ વસ્તુઓ જંગલમાંથી લેવા લાગ્યા છે.

આ લાલચને કારણે કુદરતી ચીજવસ્તુઓ માટે ખેંચતાણ વધી રહી છે અને વાઘો દ્વારા કરવામાં આવતા હુમલા વધી રહ્યા છે. જંગલ વિસ્તાર ઘટતા વાઘો માનવીય વસતિમાં પેશકદમી કરે છે.

સ્થાનિકોના એક સમૂહને આશા છે કે જ્યાં સુધી જંગલમાં મનુષ્ય અને પ્રાણીઓ એકસાથે રહે છે, ત્યાં સુધી વનબીબી તેમની સુરક્ષા કરશે.


સુંદરવનમાં વિચરણ

બાંગ્લા ભાષામાં 'સુંદરવન'નો મતલબ ખૂબસૂરત જંગલ એવો થાય છે. લગભગ હજાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા જંગલમાં અનેક દ્વીપ આવેલા છે.

કીચડવાળા ગાઢ જંગલ વિસ્તારમાં લગભગ 50 પ્રકારની સસ્તનધારી પ્રજાતિ, 300થી વધુ પ્રકારનાં પંખી તથા 300થી વધુ પ્રકારનાં સરિસૃપ જોવાં મળે છે.

સુંદરવન અહીં જોવા મળતા વાઘોને કારણે પણ પ્રસિદ્ધ છે, જેને રૉયલ બેંગાલ ટાઇગર તરીકે ઓળખવામાં આવે છે, જે માત્ર અહીં જ જોવા મળે છે.

અનેક વખત આ વાઘો સ્થાનિકો પર હુમલા કરે છે અને તેમના જીવ લઈ લે છે અથવા તેમને ગંભીર રીતે ઈજા પણ પહોંચાડે છે. દર વર્ષે સરેરાશ 60 લોકો રૉયલ બેંગાલ ટાઇગરનો ભોગ બને છે.https://www.youtube.com/watch?v=Ic3eRvml5sU&t=1s

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Indo-Bangladesh border: A goddess worshiped by Hindus and Muslims
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X