Indo-China Relations : લદ્દાખ તણાવ અંગે ચીની રક્ષા મંત્રાલયે આપ્યું નિવેદન, આ રીતે આવશે ઉકેલ
Indo-China Relations : ભારત અને ચીન દ્વારા પૂર્વ લદ્દાખ સાથે જોડાયેલા મુદ્દે સૈન્ય સ્તરની વાતચીત દરમિયાન બંને પક્ષો વચ્ચે ચર્ચા થઇ હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઘણા મહત્વના મુદ્દે પર મળીને કામ કરવા માટે સહમત થયા છે.
ચીનના રક્ષા મંત્રાલય મંગળવારના રોજ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત અને ચીનના ઉચ્ચ સેના અધિકારીઓ વચ્ચે વાતચિત થઇ હતી.

આ દરમિયાન પૂર્વ લદ્દાખમાં લાંબા સમયથી ચાલી રહેલી મડાગાંઠથી સંબંધિત મુદ્દાઓનું ઝડપી નિરાકરણ લાવવા પર સહમતિ બની છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર શાંતિ જાળવી રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
રવિવારે પણ યોજાઈ હતી બેઠક - પૂર્વ લદ્દાખના બાકી રહેલા વિવાદિત મુદ્દાઓને ઉકેલવા માટે રવિવારના રોજ ભારત અને ચીન વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની 18મી મંત્રણા યોજાઈ હતી. આ બેઠક પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની ચીનની બાજુએ ચુશુલ-મોલ્ડો બોર્ડર પોસ્ટ પર થઈ હતી.
શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની મહત્વપૂર્ણ સંરક્ષણ મંત્રી સ્તરની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના સંરક્ષણ પ્રધાન લી શાંગફુની ભારતની પ્રસ્તાવિત મુલાકાત પહેલા આ બેઠક થઈ છે. આ બેઠક ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહી છે.
બંને પક્ષો પોતપોતાના મંતવ્યો પર સ્પષ્ટ છે - પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, બંને પક્ષો વચ્ચે સંબંધિત મુદ્દાઓ પર મંતવ્યોનું સ્પષ્ટ આદાનપ્રદાન થયું હતું. બંને પક્ષો સૈન્ય અને રાજદ્વારી માધ્યમો દ્વારા ગાઢ સંપર્ક અને સંચાર જાળવવા અને બાકી રહેલા મુદ્દાઓના પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે કામ કરવા સહમત થયા છે.
સુરક્ષા અને સ્થિરતા જાળવવા પણ સહમત - ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે સોમવારના રોજ બેઇજિંગમાં મીડિયાને જણાવ્યું કે, બંને પક્ષો પશ્ચિમી સેક્ટરમાં જમીન પર સુરક્ષા અને સ્થિરતા જાળવવા માટે પણ સંમત થયા છે. બંને પક્ષોએ પશ્ચિમી ક્ષેત્રમાં LAC સંબંધિત મુદ્દાઓના નિરાકરણ પર નિખાલસ અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી જેથી સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી શકાય, જેનાથી દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિ થઈ શકે.












Click it and Unblock the Notifications
