
UAPA અંતર્ગત જમ્મુ કાશ્મીરમાં મોટી કાર્યવાહી, જમાત-એ-ઈસ્લામીની સંપતિ સીલ કરાઈ!
જમ્મુ કાશ્મીરમાં યુએપીએ અંતર્ગત મોટી કાર્યવાહી કરાઈ છે. જમ્મુ કાશ્મીર પ્રશાશને કાર્યવાહી કરતા અનંતનાગમાં કેટલીક મિલકતો સીલ કરી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી જમાત-એ-ઇસ્લામી સાથે જોડાયેલી મિલકતોની તપાસ કરી રહી છે.
અનંતનાગ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અને SIAની ભલામણો પર જબલીપુરામાં મિલકત સીલ કરવામાં આવી છે. સત્તાવાર માહિતી અનુસાર SIAએ જમાત-એ-ઈસ્લામી વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ એટલે કે UAPA હેઠળ કેસ નોંધ્યો છે.
આ કાર્યવાહી અંગે અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં અલગતાવાદી ગતિવિધિઓ, રાષ્ટ્રવિરોધી તત્વો અને ભારતની સંપ્રભુતા વિરુદ્ધ આતંકવાદી નેટવર્ક માટેના ભંડોળને ખતમ કરવા આ કાર્યવાહી કરવામાં આવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, જૂન મહિનાની શરૂઆતમાં ANIએ બારામુલ્લા, બડગામ અને શ્રીનગરમાં જમાતના પદાધિકારીઓ અને સભ્યોના રહેઠાણો અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. એનઆઈએ દ્વારા ટેરર ફંડિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. આમાં ડિજિટલ પુરાવા સહિતની કેટલીક વાંધાજનક સામગ્રી મળી આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે JEIના સભ્યો દેશ અને વિદેશમાં ખાસ કરીને જકાત, મૌદા અને બૈત-ઉલ-માલના રૂપમાં દાન દ્વારા નાણાં એકઠા કરતા હતા. આ પૈસાનો ઉપયોગ હિંસક અને અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હતો.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જમાત દ્વારા જે ફંડ એકત્ર કરવામાં આવે છે તે હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સેટ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.