Jammu Kashmir Assembly Election 2024: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે 18મીએ પહેલા તબક્કાનુ મતદાન
Jammu Kashmir Assembly Election 2024: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર શમી ગયો છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કિશ્તવાડ અને રામબન જિલ્લામાં ત્રણ રેલીઓને સંબોધિત કરી હતી. કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો 'હાથ બદલેગા હાલાત' જાહેર કર્યો.
18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં જમ્મુ ક્ષેત્રના ડોડા, કિશ્તવાડ અને રામબન ત્રણ જિલ્લાઓમાં આઠ બેઠકો તેમજ દક્ષિણ કાશ્મીરમાં અનંતનાગ, પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લાની 16 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા માટે પ્રથમ તબક્કાની 18 સપ્ટેમ્બરે યોજાનાર ચૂંટણીમાં 219 ઉમેદવારો મેદાનમાં છે. તમને જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા બેઠકોની સંખ્યા 87થી વધીને 90 થઈ, જેમાંથી 47 બેઠકો કાશ્મીર ખીણમાં છે અને 43 બેઠકો જમ્મુમાં છે.
કુલ 908 ઉમેદવારોમાંથી 40 ટકાથી વધુ અપક્ષ છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આમાંથી મોટાભાગના ઉમેદવારોને ભાજપ દ્વારા મતોના વિભાજનના ઈરાદાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ચૂંટણી મેદાનમાં મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોને લઈને નેશનલ કોન્ફરન્સ (NC), કોંગ્રેસ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ આરોપ લગાવ્યો કે તેમને 'દિલ્હી' તરફથી સમર્થન મળી રહ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 'અસામાન્ય રીતે મોટી સંખ્યામાં' અપક્ષ ઉમેદવારોની હાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, "કોંગ્રેસ અને એનસી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે ભાજપ નર્વસ છે. હવે તેઓ જોડાણ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ સામાન્ય લોકોને પણ મેદાનમાં ઉતારી રહ્યા છે અને અમારા ઉમેદવારોને હરાવવાના પ્રયાસમાં તેમને અપક્ષ ઉમેદવાર તરીકે આડકતરી રીતે સમર્થન આપી રહ્યા છે. તેઓ (અપક્ષ) પૈસા ક્યાંથી લાવે છે? તેમની પાછળ કોણ છે?"
ત્રણ તબક્કામાં કુલ 365 ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી લડનારા સ્વતંત્ર ઉમેદવારોની આ બીજી સૌથી મોટી સંખ્યા છે. 2008ની વિધાનસભાની ચૂંટણીમાં 468 ઉમેદવારોએ અપક્ષ તરીકે પોતાનું નામાંકન કર્યુ હતુ. 2024ની વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની કુલ સંખ્યા પણ બીજા નંબરની સૌથી મોટી છે. 2008માં 1,353 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જ્યારે 2014માં જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી, ત્યારે 274 અપક્ષ સહિત 831 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી.
જમ્મુની 43 બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે 367 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ખીણની 47 બેઠકો પર 541 ઉમેદવારો છે. કાશ્મીરની 47 વિધાનસભા બેઠકોમાંથી દરેક માટે સરેરાશ પાંચ અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે જમ્મુ વિભાગમાં આ આંકડો 2.93 છે. સોપોર વિધાનસભા મતવિસ્તારમાં મહત્તમ 22 ઉમેદવારો મેદાનમાં છે. વધુમાં વધુ 14 અપક્ષ ઉમેદવારો પણ સોપોરમાં જ છે.
ગાંદરબલમાં 15 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી સાત અપક્ષ છે. અપક્ષ ઉમેદવારોમાં જેલમાં બંધ અલગાવવાદી નેતા દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના સરજન અહેમદ વાગે ઉર્ફે બરકાતીનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરની 90 સભ્યોની વિધાનસભા માટે 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થશે. 8 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે.












Click it and Unblock the Notifications
