Jammu Kashmir Election Result 2024: જમ્મુ કાશ્મીરમાં બદાલાશે સત્તાના સમીકરણ, 5 ધારાસભ્યની નિમણૂક કરાશે
Jammu Kashmir Election Result 2024: જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. જેની મત ગણતરી 8 ઓક્ટોબરના રોજ યોજાશે. જમ્મુ-કાશ્મીરમાં મતગણતરી પહેલા ત્યાંના રાજકારણમાં મોટો વળાંક જોવા મળી રહ્યો છે.
માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ પર, લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા ચૂંટણી પરિણામો પહેલા 5 ધારાસભ્યોને નોમિનેટ કરવામાં આવશે. આ ધારાસભ્યોને તે તમામ અધિકારો અને વિશેષાધિકારો મળશે, જે બાકીના ચૂંટાયેલા સભ્યોને હશે.
ઓલ ઈન્ડિયા રેડિયો ન્યૂઝના અહેવાલ મુજબ, આ પાંચ નિમણૂક થયેલા ધારાસભ્યો નવી સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
મીડિયા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, નિમણૂક થયેલા ધારાસભ્યોને બાકીના ચૂંટાયેલા ધારાસભ્યો જેવા જ અધિકારો અને વિશેષાધિકારો હશે. મતલબ કે તેમને ગૃહમાં મતદાનનો અધિકાર પણ મળવાનો છે.
અત્રે નોંધનીય બાબત છે કે, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 મુજબ, જો ઉપરાજ્યપાલને લાગે કે, મહિલાઓ પાસે વિધાનસભામાં પૂરતું પ્રતિનિધિત્વ નથી. તો તેઓ જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ માટે 2 મહિલા સભ્યોની નિમણૂક પણ કરી શકે છે.

આ અધિનિયમમાં જુલાઈ 2023માં સુધારો કરવામાં આવ્યો હતો, જે બાદ લેફ્ટનન્ટ ગવર્નરને વિધાનસભામાં ધારાસભ્ય તરીકે 3 વધુ સભ્યોને નોમિનેટ કરવાનો અધિકાર મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નિમણૂક થયેલા ધારાસભ્યોમાંથી બે સભ્યો કાશ્મીરી વિસ્થાપિત (કાશ્મીરી પંડિતો) હશે; તેમાંથી એક મહિલા પણ હશે. ત્રીજો સભ્ય પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાંથી વિસ્થાપિત વ્યક્તિ હશે.
જમ્મુ અને કાશ્મીરની જેમ, પોડિંચેરી પણ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે, અને તેની વિધાનસભામાં પણ ત્રણ ધારાસભ્યોની નિમણૂક કરવામાં આવે છે. તેઓને પણ અન્ય ચૂંટાયેલા સભ્યોની જેમ મતદાન કરવાનો અધિકાર છે.
અત્રે નોંધનીય બાબત છે કે, જમ્મુ અને કાશ્મીરમાં 90 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે, જેના માટે 8 ઓક્ટોબરના રોજ મતગણતરી થવાની છે.
આવા સમયે જો લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ભલામણ પર 5 ધારાસભ્યોની નિમણૂક કરવાનો નિર્ણય લે છે, તો સંખ્યા ગૃહના સભ્યો વધીને 95 થશે.
આવી સ્થિતિમાં, હાલ સરકાર બનાવવાનો જાદુઈ આંકડો 46 ધારાસભ્યો છે, તો નામાંકિત સભ્યોને કારણે આ સંખ્યા વધીને મેજીકલ ફીગર 48 થઈ જશે, જે સમગ્ર સમીકરણો બદલી શકે છે.
કારણ કે, એવું માનવામાં આવે છે કે, કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર છે અને તેની ભલામણ પર જે સભ્યોની વરણી કરવામાં આવશે, તેઓ ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ ધરાવનારા હોય શકે છે.
જમ્મુ-કાશ્મીરની 90 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થયું છે. જેમાં કુલ 64 ટકા લોકોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો છે. જ્યારે 1 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાનની ટકાવારી વધીને 70 ટાક થઈ ગઈ હતી.
આ ચૂંટણીઓમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ ગઠબંધન વચ્ચે છે. પીડીપી એકલા હાથે ચૂંટણી લડી રહી છે.
બીજી તરફ એન્જીનિયર રશીદની અવામી ઇત્તેહાદ પાર્ટી અને પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામીએ એકબીજા સાથે સંકલન કરીને સ્વતંત્ર ઉમેદવારો ઉભા રાખ્યા છે.












Click it and Unblock the Notifications
