જેટ એરવેઝના વિમાન ટૂંક સમયમાં ઉડશે, ગૃહ મંત્રાલયે સિક્યોરીટી ક્લિયરન્સ આપ્યુ!
નવી દિલ્હી, 9 મે : નાણાકીય સંકટને કારણે જેટ એરવેઝે 2019 માં તેની સેવાઓ બંધ કરી દીધી હતી, પરંતુ હવે ટૂંક સમયમાં કામગીરી શરૂ કરી શકે છે. આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કંપનીના નવા પ્રમોટરોને સુરક્ષા મંજૂરી આપી દીધી છે. એવી અપેક્ષા છે કે આવતા મહિનાથી કંપનીના વિમાન ફરીથી હવામાં જોવા મળશે. એરલાઈને ગુરુવારે હૈદરાબાદમાં ટ્રેનિંગ ફ્લાઈટ્સનું આયોજન કર્યું હતું.
અગાઉ જેટ એરવેઝની માલિકી નરેશ ગોયલની હતી, પરંતુ 17 એપ્રિલ 2019 ના રોજ તેની કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. આ પછી હરાજીની પ્રક્રિયા શરૂ થઈ. ત્યારબાદ બ્રિટનની કેલરૉક કેપિટલ અને યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ના ઉદ્યોગસાહસિક મુરારી લાલ જાલાન કોન્સોર્ટિયમ જેટ એરવેઝના નવા માલિક બન્યા. હવે તેને સિક્યોરિટી ક્લિયરન્સ મળી જતાં ફ્લાઈટ ઓપરેશનનો રસ્તો સાફ થઈ ગયો છે.
છેલ્લા ઘણા સમયથી જેટ એરવેઝ ખોટ કરી રહી હતી. આ પછી તેણે એતિહાદ એરવેઝ સાથે વ્યૂહાત્મક ભાગીદારી પણ કરી, પરંતુ તેનાથી વધુ ફાયદો થયો નહીં. ધીરે-ધીરે કંપનીને રોકડની તંગીનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેની ફ્લાઈટ્સ પણ કેન્સલ થવા લાગી. આ સાથે મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ વર્કર્સને પણ કાઢી મૂકવામાં આવ્યા હતા. જૂન 2019 માં એરલાઇન માટે નાદારીની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ સાથે ઓપરેશન સંપૂર્ણ ઠપ્પ થઈ ગયું. એક રિપોર્ટ અનુસાર જેટ એરવેઝ બંધ થવાને કારણે 20 હજારથી વધુ કર્મચારીઓ બેરોજગાર થઈ ગયા હતા.
જેટ એરવેઝ 2.0 એ આગામી ત્રણ વર્ષમાં ફરીથી મજબૂત બનવાનું લક્ષ્ય રાખ્યું છે. કંપની ત્રણ વર્ષમાં 50 થી વધુ એરક્રાફ્ટ ઓપરેટ કરવાની યોજના બનાવી રહી છે. આગામી 5 વર્ષમાં કંપની 100 થી વધુ એરક્રાફ્ટ લોન્ચ કરવાની દિશામાં આગળ વધી રહી છે.