ઝારખંડ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
નવી દિલ્હી, 26 ઓક્ટોબર: ચૂંટણી પંચે શનિવારે જમ્મુ અને કાશ્મીર તથા ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. બંને રાજ્યોમાં પાંચ તબક્કામાં ચૂંટણીઓ યોજાવાની છે. પહેલા તબક્કાનું મતદાન 25 નવેમ્બર, બીજા તબક્કાનું મતદાન 2 ડિસેમ્બર, ત્રીજા તબક્કાનું મતદાન 9 ડિસેમ્બર, ચોથા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બર અને પાંચમાં તબક્કાનું મતદાન 20 ડિસેમ્બરના રોજ યોજાશે. બંને રાજ્યોમાં મતગણતરી 23 ડિસેમ્બરના રોજ યોજાશે. ચૂંટણી પંચે દિલ્હીની ત્રણ વિધાનસભા વિસ્તારોમાં પેટાચૂંટણીની તારીકોની પણ જાહેરાત કરી દીધી છે.
ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની સાથે જ બંને રાજ્યોમાં આદર્શ ચૂંટણીની આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે.
મુખ્ય ચૂંટણી અધિકારી વી.એસ. સંપતે મીડિયાકર્મીઓને સંબોધિત કરતા જણાવ્યું કે 'જમ્મુ-કાશ્મીરમાં 10 હજાર મતદાન કેન્દ્રો પર વોટિંગ કરવામાં આવશે. જ્યારે ઝારખંડમાં 24 હજાર મતદાન કેન્દ્રો પર વોટિંગ કરવામાં આવશે.'
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણીની સાથે જ દિલ્હીના મહરૌલી, તુગલકાબાદ અને કૃષ્ણા નગર વિધાનસભા વિસ્તારોમાં વોટિંગ કરવામાં આવશે.ઝારખંડ સરકારનો કાર્યકાળ 3 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઇ રહ્યું છે જ્યારે જમ્મુ સરકારનો કાર્યકાળ 19 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. ઝારખંડમાં વિધાનસભાની 81 બેઠકો છે. ઝારખંડમાં ગઇ વિધાનસભા ચૂંટણી 2009માં યોજાઇ હતી. જોકે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની 87 બેઠકો છે, અત્રે છેલ્લે વિધાનસભાની ચૂંટણી 2008માં યોજાઇ હતી.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી મહારાષ્ટ્રની સાથે યોજાવાની હતી પરંતુ પૂરના કારણે તારીખોની જાહેરાત મોકૂફ રાખવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં 2011ની વસ્તી ગણતરી અનુસાર લગભગ સવા કરોડ છે.