Karnataka Election: મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસના સીએમ પદના દાવેદાર વિશે કરી સ્પષ્ટતા

Karnataka Election: કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ચૂક્યુ છે. 10મેના રોજ મતદાન અને 13 મેના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે મુખ્ય ટક્કર હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. ચૂંટણી તારીખોના એલાન સાથે જ ભાજપ સત્તામાં વાપસીનો દાવો કરી રહ્યુ છે. ત્યારે કોંગ્રેસ પણ પોતાની જીત માટે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યુ છે.
બુધવારે ભારતના ચૂંટણી પંચ દ્વારા કર્ણાટક ચૂંટણીની તારીખની જાહેરાત બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં બહુમતી સરકાર બનાવશે. જો કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે તો તેમની સરકારમાં મુખ્યમંત્રી કોણ હશે? આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે તે પાર્ટીના હાઈકમાન્ડ દ્વારા નક્કી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કર્ણાટક એક એવુ રાજ્ય છે જ્યાં કોંગ્રેસની સત્તામાં વાપસીની શક્યતાઓ વધુ જોવામાં આવી રહી છે. જો કે અગાઉની કોંગ્રેસ સરકારમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ સીએમ પદ સંભાળ્યુ હતુ પરંતુ આ ચૂંટણીમાં કર્ણાટક કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ડી શિવકુમાર પણ સીએમ પદના પ્રબળ દાવેદાર છે. ડીકે શિવકુમાર પણ સીએમ બનવાની આશામાં આ ચૂંટણીમાં ઘણી મહેનત કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
