Karnataka Election : કર્ણાટક ચૂંટણીમાં અપરાધી ઉમેદવારોની ભરમાર, જાણો કઈ પાર્ટીના કેટલા દાગી ઉમેદવાર?
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે હાલ તમામ પાર્ટીઓ મેદાને પડી છે. મતદારોને પોતાની તરફ લાવવાની લ્હાયમાં નેતાઓની ભાષા સતત બગડી રહી છે ત્યારે એડીઆરના રિપોર્ટે કેટલાક ચૌકાવનારા તથ્યો પરથી પરદો હટાવ્યો છે. આ વખતે પણ મોટી સંખ્યામાં દાગી ઉમેદવારો મેદાનમાં છે.
આંકડાઓ પર નજર કરીએ તો, આ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા તમામ ઉમેદવારોમાંથી 55 ટકા ઉમેદવારો દાગી છે. આ આંકડો ઉમેદવારોએ પોતે ઈલેક્શન કમિશનને આપેલી માહિતીમાંથી સામે આવ્યો છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના વિશ્લેષણમાં ઘણી વાતોનો ખુલાસો થયો છે. ADR અને કર્ણાટક ઈલેક્શન વોચના અહેવાલમાં રાષ્ટ્રીય અને સ્ટેચી રજિસ્ટર્ડ ઉમેદવારો સહિત અન્ય પક્ષો અને અપક્ષોના 2615 ઉમેદવારોમાંથી 2586ના સોગંદનામાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
આ વિશ્લેષણમાં સામે આવ્યું છે કે જે ઉમેદવારો સામે ગુનાહિત કેસ નોંધાયા છે તે તમામ ઉમેદવારોમાં કોંગ્રેસના ઉમેદવારોની સંખ્યા સૌથી વધુ છે. કોંગ્રેસ પક્ષના 55 ટકા ઉમેદવારોએ તેમના ચૂંટણી એફિડેવિટમાં ફોજદારી કેસ હોવાનો ઉલ્લેખ કર્યો છે.
આંકડા અનુસાર, કોંગ્રેસના 221 ઉમેદવારોમાંથી 122 ઉમેદવારો સામે ફોજદારી કેસ છે અને ભાજપના 224 ઉમેદવારોમાંથી 96 એટલે કે 43 ટકા સામે ફોજદારી કેસ છે. ત્રીજા નંબરે જનતા દળ સેક્યુલર છે. તેના 208માંથી 70 એટલે કે 34 ટકા ઉમેદવારો પર કેસ દાખલ થયેલા છે. આમ આદમી પાર્ટીના 208 ઉમેદવારોમાંથી 48 એટલે કે 23 ટકા ઉમેદવારોએ એફિડેવિટમાં ફોજદારી કેસ જાહેર કર્યા છે.
ગઈ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો, કોંગ્રેસે 2018માં 59 ક્રિમિનલ કેસ ધરાવતા ઉમેદવારોને ચૂંટણી લડાવી હતી. હવે 2023માં આ સંખ્યા વધીને 122 થઈ છે. બીજેપીમાં 2018ની ચૂંટણીમાં વા ઉમેદવારોની સંખ્યા 83 હતી તે આ વખતે 96 થઈ છે. JDS પણ પાછળ નખીસ, તેના દાગી ઉમેદવારોની સંખ્યા 41 થી વધીને 70 થઈ છે.
એડીઆર અનુસાર, ગંભીર ફોજદારી કેસો એ કેસ છે જેમાં મહત્તમ પાંચ વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ હોય. આ સિવાય બિનજામીનપાત્ર અને ચૂંટણીલક્ષી ગુના પણ સામેલ હોય છે. ઉદાહરણ તરીકે IPC 171E અથવા લાંચ સાથે સંકળાયેલા કેસ.
ચૂંટણી-સંબંધિત ગુનાઓમાં સરકારી તિજોરીને નુકસાન, હુમલો, હત્યા, અપહરણ, બળાત્કાર, લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8માં ઉલ્લેખિત ગુનાઓ, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગુનાઓ અને મહિલાઓ સામેના ગુનાઓ પણ સામેલ છે.
આ વિશ્લેષણમાં એ પણ ખુલાસો થયો છે કે 49 ઉમેદવારો પર મહિલાઓ વિરુદ્ધ અપરાધ સંબંધિત કેસ છે. જેમાં બળાત્કાર સંબંધિત કેસનો પણ સામેલ છે. આઠ ઉમેદવારો પર હત્યાના કેસ દાખલ છે. 35 પર હત્યાના પ્રયાસના આરોપ છે.
કર્ણાટક ઇલેક્શન વોચ અને એડીઆરએ 29 ઉમેદવારોનું વિશ્લેષણ કર્યું નથી. તમામના એફિડેવિટ કાં તો ખરાબ રીતે સ્કેન કરવામાં આવ્યા હતા અથવા સંપૂર્ણ એફિડેવિટ ECI વેબસાઇટ પર અપલોડ કરવામાં નથી આવ્યા.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ચૂંટણી પંચે 111 મતવિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટ મતદારક્ષેત્રો એવા છે જ્યાં ત્રણ કે તેથી વધુ ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે.












Click it and Unblock the Notifications
