મેયરની ચૂંટણીને લઈને કેજરીવાલે LGને પ્રસ્તાવ મોકલ્યો, જાણો શું છે પ્રસ્તાવમાં?
દિલ્હી મેયરની ચૂંટણીને લઈને સતત બબાલો ચાલી રહ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીએ LGને પ્રસ્તાવ મોકલ્યો છે.
નવી દિલ્હી : દિલ્હીમાં એમસીડી ચૂંટણી જીત્યા બાદ પણ આમ આદમી પાર્ટી હજુ સુધી મેયર પદ સુધી પહોંચી શકી નથી. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ હજુ સુધી મેયરની ચૂંટણી થઈ શકી નથી ત્યારે હવે આમ આદમી પાર્ટી ચૂંટણી કરાવવા માંગ કરી રહી છે.

હવે દિલ્હી સરકારે એલજી વીકે સક્સેનાને મેયરની ચૂંટણી માટે નવી તારીખનો પ્રસ્તાવ મોકલ્યો છે. દિલ્હી સરકારે મેયરની ચૂંટણી 3, 4 અથવા 6 ફેબ્રુઆરીએ કરાવવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ પહેલા મહાનગરપાલિકાએ દિલ્હી સરકારને 10 ફેબ્રુઆરીએ ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો. એલજી મેયરની ચૂંટણીની તારીખ અંગે અંતિમ નિર્ણય લેશે.
એમસીડીમાં મેયરની ચૂંટણી મુદ્દે સતત બબાલ ચાલી રહી છે અને છેલ્લી બે બેઠકો હોબાળામાં જ પુરી થઈ છે. એમસીડીની બીજી બેઠક 24 જાન્યુઆરીએ યોજાઈ હતી અને સભ્યોના શપથગ્રહણ બાદ મેયરની પસંદગી થાય તે પહેલા જ હોબાળાને કારણે કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાઈ હતી. આમ આદમી પાર્ટી આ મુદ્દે સતત બીજેપી પર આરોપો લગાવી રહી છે.
ઉમેદવારોની વાત કરીએ તો, આમ આદમી પાર્ટીએ શૈલી ઓબેરોય અને આલે મોહમ્મદ ઈકબાલને મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે નામાંકિત કર્યા છે. ભાજપે મેયર પદ માટે રેખા ગુપ્તા અને ડેપ્યુટી મેયર પદ માટે કમલ બાગરીને ઉમેદવાર બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
