
કેરનમાં 15માં દિવસે પણ અથડામણ જારી, PMએ બોલાવી સેના પ્રમુખોની બેઠક
શ્રીનગર, 8 ઓક્ટોબર: જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં સેના અને આતંકવાદીઓની વચ્ચે આજે 15માં દિવસે પણ અથડામણ ચાલુ છે. સેના અને ઘુસણખોરોની વચ્ચેની આ અથડામણે સરહદી વિસ્તારોની સાથે સાથે દિલ્હીમાં પણ તણાવની સ્થિતિ પેદા કરી દીધી છે. આ સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે વડાપ્રધાને આજે ત્રણે સેના પ્રમુખોની મહત્વની બેઠક બોલાવી છે.
આ બેઠકમાં આર્મીના પ્રમુખ જનરલ વિક્રમ સિંહ સરહદ પર ઘુસણખોરી અને સૈન્ય કાર્યવાહીની જાણકારી આપશે. આ મહત્વની બેઠકમાં વડાપ્રધાનની સાથે સાથે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે, નાણામંત્રી પી. ચિદમ્બરમ અને સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન પણ હાજર રહેશે.
જ્યારે સેના અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ સતત ચાલુ છે. સેનાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. જેમાં અથડામણવાળા વિસ્તારમાંથી ભારે માત્રામાં હથિયાર અને અન્ય સામાન મળી આવ્યો છે. બ્રિગેડિયર જનરલ સ્ટાફ કર્નલ સંજય મિત્રાના જણાવ્યા અનુસાર આખા સેક્ટરમાં સર્ચ ઓપરેશન જારી છે. આતંકવાદી પાસે મળેલા હથિયારોથી લાગે છે કે આતંકીઓ યુદ્ધની તૈયારીઓ સાથે આવ્યા હતા.તેમની પાસેથી 7 એકે-47, 4 પિસ્ટલ, 1 સ્નાઇપર રાઇફલ, 20 યૂબીજીએલ ગ્રેનેડ, 2 રેડિયો સેટ જપ્ત કર્યા છે. આ ઉપરાંત ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને દવાઓ પણ જપ્ત કરી છે. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર આ અભિયાનમાં હજી સુધી લગભગ બે ડજન આતંકીઓ ઠાર મરાયા છે. હજી સુધી વિસ્તારમાં લગભગ 30 આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.