લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલી વધી, CBI ને નોકરી કૌભાંડ મુદ્દે કેસ ચલાવવાની મંજુરી મળી
રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવને નોકરીના બદલે જમીનના કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. સીબીઆઈને લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી મળી ગઈ છે.
નવી દિલ્હી : ગંભીર બીમારીથી પીડાઈ રહેલા રાષ્ટ્રિય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ પુરી થવાનું નામ નથી લઈ રહી. રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવને નોકરીના બદલે જમીનના કેસમાં મોટો ઝટકો લાગ્યો છે. સીબીઆઈને લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. આ કેસમાં સીબીઆઈએ કેન્દ્ર સરકાર પાસે કેસ ચલાવવાની પરવાનગી માંગી હતી. આ 15 વર્ષ જૂનો કેસ છે અને CBIએ ઓક્ટોબર 2022માં લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને અન્ય 14 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

આ કેસ લાલુ યાદવના રેલ્વે મંત્રીના કાર્યકાળ દરમિયાન ગેરરીતિઓ સંબંધિત છે. આરોપ છે કે લાલુ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે નોકરી અપાવવાના બદલામાં જમીન અને પ્લોટ લેવામાં આવ્યા હતા. આ મામલામાં સીબીઆઈએ મે મહિનામાં કેસ નોંધ્યો હતો અને લાલુ યાદવ, તેમની પત્ની અને પુત્રી સહિત અન્ય ઘણા લોકોને આ કેસમાં આરોપી બનાવ્યા હતા. સીબીઆઈએ મે મહિનામાં દિલ્હી અને બિહારમાં લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યોના 17 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
આ કેસમાં સીબીઆઈએ જુલાઈ મહિનામાં ભોલા યાદવની ધરપકડ કરી હતી. ભોલા યાદવ 2004 થી 2009 સુધી લાલુ યાદવના ઓએસડી હતા. લાલુ યાદવ તે સમયે કેન્દ્રીય રેલ્વે મંત્રી હતા. રેલ્વેમાં ભરતી કૌભાંડ સામે આવ્યું હતું અને આરોપ છે કે ભોલા યાદવ આ કૌભાંડનો કથિત માસ્ટરમાઇન્ડ છે.
આ પહેલા CBI એ નોકરીના બદલામાં જમીનના કેસમાં બિહારમાં કેટલાક આરજેડી નેતાઓના સ્થાનો તેમજ દિલ્હી-ગુરુગ્રામ સહિત 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. બિહારમાં મહાગઠબંધન સરકારે વિધાનસભામાં પોતાનો ફ્લોર ટેસ્ટ આપવાનો હતો ત્યારે જ આ દરોડા પડ્યા હતા.












Click it and Unblock the Notifications
