Lok Sabha Election: આ 6 રાજ્યોમાં લોકસભા બેઠક ફાઇનલ, ટૂંક સમયમાં કોંગ્રેસ કરશે જાહેરાત
Lok Sabha Election: લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા કોંગ્રેસ પણ ઉમેદવારો અંગે વિચાર-મંથન કરવામાં વ્યસ્ત છે. ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી બાદ ટૂંક સમયમાં તેની પ્રથમ યાદી જાહેર કરશે. ગુરુવારે મોડી રાત્રે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક પૂરી થઈ છે.
બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ ઉમેદવારોના નામ પર વિચાર મંથન કર્યું હતું. મળતી માહિતી મુજબ નામો ફાઈનલ થઈ ગયા છે. ટૂંક સમયમાં પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની બેઠકમાં જે રાજ્યોની લોકસભા બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમાં દિલ્હી, છત્તીસગઢ, તેલંગાણા, કર્ણાટક, કેરળ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે, જોકે 6 રાજ્યોમાં ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે.
આ 6 રાજ્યોની સીટો ફાયનલ છે - દિલ્હીમાં કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, અમે કેરળ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, દિલ્હી અને લક્ષદ્વીપની તમામ લોકસભા સીટોને ફાઈનલ કરી દીધી છે, પ્રક્રિયા ચાલી રહી છે, ઔપચારિક જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કોંગ્રેસ સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠકમાં જણાવ્યું હતું કે, તમામ સીટો અને ટિકિટની વહેંચણી પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી છે. તમામ પાસાઓ પર લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. CECનો નિર્ણય બહુ જલ્દી બહાર આવશે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ લોકસભાની ચૂંટણી લડશે, ત્યારે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, પ્રવક્તા બોલશે. કોંગ્રેસ CECની બેઠકો પર, પાર્ટીના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે જણાવ્યું હતું કે, CEC તમામ બેઠકો પર ચર્ચા કરશે. જ્યાં પણ શક્ય હોય ત્યાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. CEC એ સર્વોચ્ચ સંસ્થા છે જે ઉમેદવારો પર ચર્ચા કરે છે, અને તેમને અંતિમ સ્વરૂપ આપે છે.
હવે આગામી બેઠક 11 માર્ચે - લોકસભા ચૂંટણીના ઉમેદવારોની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાર્ટીની બીજી ચૂંટણી સમિતિની બેઠક 11 માર્ચે દિલ્હીમાં યોજાશે. બેઠક અંગે કોંગ્રેસના નેતા દીપક બાબરિયાએ જણાવ્યું હતું કે, ચર્ચા થઈ હતી અને સીઈસીનો અભિપ્રાય હતો કે 11મીએ ફરીથી ચર્ચા થવી જોઈએ. બહુ ઓછી ચર્ચા થઈ. આગામી બેઠક 11 માર્ચે યોજાશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ સમિતિના અધ્યક્ષ છે, અને તેના સભ્યોમાં પાર્ટીના ભૂતપૂર્વ વડા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો સમાવેશ થાય છે. લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો તૈયાર કરવાની જવાબદારી સંભાળી રહેલી કોંગ્રેસ પેનલે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેની ચર્ચા હવે કોંગ્રેસ વર્કિંગ કમિટી દ્વારા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
