Lok Sabha Election : 543 લોકસભા સીટો છે તો પછી 544 સીટો પર ચૂંટણી કેમ? ઈલેક્શન કમિશનથી ભુલ થઈ?
લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ઈલેક્શન કમિશનને ભારતમાં 7 તબક્કાઓમાં મતદાન કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત વચ્ચે એક આંકડાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે.
લોકસભા ચૂંટણી માટે ઈલેક્શન કમિશને 544 બેઠકો માટે ચૂંટણી શેડ્યૂલ જારી કર્યુ છે. જો કે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે સીટો 543 છે તો જાહેરાત 544 બેઠકોની કેમ?

જો કે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લાઈવ કોન્ફરન્સમાં જ આ કોયડો ઉકેલ લાવી દીધો છે. પ્રેસ કોન્ફરન્સમાં સીઈસીની બ્રીફિંગ પૂર્ણ થયા પછી જ્યારે પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા અને જવાબો આવ્યા ત્યારે જ મૂંઝવણનો અંત આવ્યો.
દેશમાં લોકસભાની કુલ બેઠકો 543 છે. જેમના માટે ચૂંટણી પ્રક્રિયા થવાની છે. પરંતુ જ્યારે એક પત્રકારે સીઈસી રાજીવ કુમારને 544 માટે શેડ્યૂલ કેમ છે તે અંગે પ્રશ્ન પૂછ્યો તો તેમણે પરિસ્થિતિ સ્પષ્ટ કરી. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે મણિપુરમાં એક બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, તેથી સૂચિમાં કુલ 543ને બદલે 544 બેઠકો જણાવાઈ છે.
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની સાથે ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરી છે. જે રાજ્યોમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે તેમાં ઓડિશા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત 26 વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી યોજાશે. લોકસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂનના રોજ સમાપ્ત થશે. તમામ પરિણામો 4 જૂને એકસાથે આવશે.
પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર 19 એપ્રિલે, બીજા તબક્કામાં 26 એપ્રિલે 89 બેઠકો અને ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે. એ જ રીતે ચોથા તબક્કાની ચૂંટણી માટે 13 મેના રોજ 96 બેઠકો પર, 20 મેના રોજ પાંચમા તબક્કામાં 49 બેઠકો, 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો અને સાતમા અને અંતિમ તબક્કામાં જૂનના રોજ 57 બેઠકો પર મતદાન થશે.












Click it and Unblock the Notifications
