Lok Sabha Security Breach : હંગામા બાદ સંસદમાં લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ, લોકસભા મહાસચિવનો આદેશ
સંસદની સુરક્ષામાં ભંગ બાદ લોકસભા મહાસચિવે મોટો નિર્ણય લીધો છે. મહાસચિવે ગૃહ મંત્રાલયને પત્ર લખીને સુરક્ષાની સમીક્ષા કરવા કહ્યું છે.
આ પત્ર સાથે નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી આદેશ સુધી દર્શક ગેલેરી માટે કોઈ પાસ આપવામાં નહીં આવે.

આ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સુરક્ષા ભંગની ઘટના અંગે રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા અને તેમણે વિપક્ષી નેતાઓ દ્વારા સુરક્ષાની ચિંતાઓ ઉઠાવવા સાથે સહમત થયા અને ખાતરી આપી કે સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.
સૂત્રો અનુસાર, સ્પીકર ઓમ બિરલાએ સાંસદોના અંગત સહાયકોને પાસ આપવા સંબંધિત મામલાની જવાબદારી પોતાના હાથમાં લઈ લીધી છે.
જણાવી દઈએ કે, આજે સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી પર બે યુવકો અચાનક ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદીને સાંસદો વચ્ચે આવ્યા હતા. તેમણે સૂત્રોચ્ચાર કરતાં કલર ગેસ છોડ્યો હતો.
બબાલ બાદ સાંસદોએ બંને યુવકોને પોલીસને હવાલે કર્યા હતા. બીજી તરફ સંસદ બહાર એક મહિલા અને યુવકે રંગીન ગેસ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રદર્શન બાદ પોલીસે ચારેયની સુરક્ષાના ભંગના આરોપમાં અટકાયત કરી છે.
પોલીસ તપાસમાં ઉંડા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. જેમાં 6 લોકોએ મળીને સંસદની સુરક્ષાનો ભંગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. અન્ય બેની શોધખોળ ચાલુ છે.












Click it and Unblock the Notifications
