કેજરીવાલે રોડ શોમાં કહ્યું- લવ યુ પંજાબ, જે લોકો તમને લૂંટતા હતા તે હવે બંધ થઈ જશે
પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ આમ આદમી પાર્ટી ઉજવણીના મૂડમાં છે. AAPના વડા અરવિંદ કેજરીવાલ અને પક્ષના નવા ચૂંટાયેલા મુખ્યપ્રધાન ભગવંત માન રવિવારના રોજ પંજાબના અમૃતસરમાં વિજય રોડ શો યોજી રહ્યા છે.
ચંદીગઢ, 13 માર્ચ : પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ આમ આદમી પાર્ટી ઉજવણીના મૂડમાં છે. AAPના વડા અરવિંદ કેજરીવાલ અને પક્ષના નવા ચૂંટાયેલા મુખ્યપ્રધાન ભગવંત માન રવિવારના રોજ પંજાબના અમૃતસરમાં વિજય રોડ શો યોજી રહ્યા છે. રોડ શો પહેલા બંનેએ અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી.

દુર્ગિયાના મંદિરમાં પૂજા પણ કરી
બંનેએ અમૃતસરના જલિયાવાલા બાગ સ્મારક પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. તેમણે દુર્ગિયાના મંદિરમાં પૂજા પણ કરી હતી. આ મુલાકાતમાં અરવિંદ કેજરીવાલની સાથે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હતા. કેજરીવાલ અને ભગવંત માને પણ દરબાર સાહેબમાં માથું નમાવી આશીર્વાદ લીધા હતા.
અમૃતસરમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઘણા વર્ષો બાદ આજે પંજાબની જનતાને એક ઈમાનદાર મુખ્યમંત્રી મળ્યો છે. હવે ઈમાનદાર સરકાર બનશે. લવ યુ પંજાબ. આખી દુનિયા માની શકતી નથી કે, પંજાબમાં આટલી મોટી ક્રાંતિ આવી છે અને બધા હારી ગયા છે. આ બહુ મોટી ક્રાંતિ છે અને માત્ર પંજાબના લોકો જ આ કરી શક્યા હોત, આખી દુનિયામાં આટલી શક્તિ બીજા કોઈ પાસે નથી.
પંજાબનો દરેક બાળક મુખ્યમંત્રી બની જશે
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જે લોકો પંજાબને લૂંટી રહ્યા હતા તેઓ હવે બંધ થઈ જશે. હવે સમગ્ર સરકારી પૈસા પંજાબના લોકો પર ખર્ચવામાં આવશે. અમે આપેલી તમામ બાંયધરી પૂરી કરવામાં આવશે. જો ભગવંત માન 16મીએ મુખ્યમંત્રી પદના શપથ લેશે તો તે દિવસે પંજાબનો દરેક બાળક મુખ્યમંત્રી બની જશે. રંગલા પંજાબ બનાવીશું.
શહીદ ભગત સિંહ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો ચોક્કસ હશે
પંજાબના નિયુક્ત મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, અમે 122 લોકોની સુરક્ષામાં ઘટાડો કર્યો છે અને તેના કારણે 403 પોલીસકર્મીઓ અને 27 પોલીસ વાહનો પોલીસ સ્ટેશનોમાં પાછા ફર્યા છે. કોઈપણ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીની તસવીરો નહીં હોય, પરંતુ શહીદ ભગત સિંહ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો ચોક્કસ હશે.
પંજાબમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) એ 117 સભ્યોની રાજ્ય વિધાનસભામાં 92 બેઠકો સાથે પંજાબમાં સત્તા હાંસલ કરી છે. શાસક કોંગ્રેસને AAP દ્વારા સંપૂર્ણ રીતે બહાર કરવામાં આવી છે અને માત્ર 18 બેઠકો કબ્જે કરવામાં સફળ રહી હતી. વર્ષ 2017ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી.












Click it and Unblock the Notifications
