
મહંત નરેન્દ્ર ગિરીનો મોત મામલે ભાજપ સાંસદ સાક્ષી મહારાજનુ મોટુ નિવેદન, કહ્યુ - આત્મહત્યા નહિ, હત્યા થઈ છે
હરિદ્વારઃ ઉન્નાવથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે કહ્યુ કે મહંત નરેન્દ્ર ગિરીએ આત્મહત્યા નથી કરી તેમની હત્યા કરવામાં આવી છે. સાક્ષી મહારાજે નરેન્દ્ર ગિરિની સુરક્ષામાં તૈનાત કર્મીઓ પર સવાલ ઉઠાવ્યો છે. સાથે જ સીબીઆઈને આ કેસની હકીકત સામે લાવવાની માંગ કરી છે. ભાજપ સાંસદ સાક્ષી મહારાજે આ નિવેદન હરિદ્વારમાં આયોજિત સ્વામી વામદેવની મૂર્તિના અનાવરણ કાર્યક્રમ દરમિયાન આપ્યુ. તમને જણાવી દઈએ કે મહંત નરેન્દ્ર ગિરીનુ શબ પ્રયાગરાજમાં તેમના મઠમાં બનેલા રૂમમાંથી મળ્યુ હતુ. સુસાઈડ નોટમાં શિષ્ય આનંદ ગિરી સહિત ત્રણ લોકો પર હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.
સાક્ષી મહારાજે કહ્યુ કે તે આત્મહત્યા વિશે વિચારી પણ ન શકે
ઉન્નાવથી સાંસદ સાક્ષી મહારાજ રવિવારે હરિદ્વાર પહોંચ્યા અને સ્વામી વામદેવ મૂર્તિ અનાવરણ કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન સાક્ષી મહારાજે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીની આત્મહત્યા મામલે નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે મહંત નરેન્દ્ર ગિરીએ આત્મહત્યા નથી કરી તેમની હત્યા થઈ છે. સાક્ષી મહારાજે કહ્યુ, 'મારા પરમ મિત્ર મહંત નરેન્દ્ર ગિરી બહાદૂર હતા અને તે ક્યારેય આત્મહત્યા વિશે વિચારી પણ ન શકે.' સાક્ષી મહારાજે રૂમમાં મળેલી સુસાઈડ નોટને પણ નકલી ગણાવી છે.
સીબીઆઈ પાસે હકીકત સામે લાવવાની માંગ
સાંસદ સાક્ષી મહારાજે કહ્યુ, 'હું આભાર માનવા માંગીશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનો કે સાધુ-સંતો અને અમે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી, જેની ભલામણ મુખ્યમંત્રી દ્વારા કરી દેવામાં આવી છે. સીબીઆઈ આમાં દૂધનુ દૂધ અને પાણીનુ પાણી કરે જેથી મહંત નરેન્દ્ર ગિરીના હત્યારા પકડાઈ જાય. હું અને અમુક સંત સીબીઆઈ ડાયરેક્ટરને મળીને આ કેસમાં જલ્દી ખુલાસાનો આગ્રહ કરીશુ.' તમને જણાવી દઈએ કે સીબીઆઈ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીના શંકાસ્પદ મોતની ગુત્થી ઉકેલવામાં લાગી છે. આ કેસમાં સીબીઆઈએ પકડેલા ત્રણ આરોપીની કસ્ટડી રિમાંડ માંગ્યા છે. સીબીઆઈના મુખ્ય તપાસ અધિકારી કેએસ નેગી તરફથી દાખલ કરવામાં આવેલ અરજીમાં મેજેસ્ટ્રેટ પાસે 10 દિવસની કસ્ટડી રિમાંન્ડ માંગવામાં આવ્યા છે. સીબીઆઈએ મુખ્ય આરોપી સ્વામી આનંદ ગિરી, હનુમાન મંદિરના મુખ્ય પૂજારી રહેલા આદ્યા તિવારી અને તેમના દીકરા સંદીપ તિવારીના કસ્ટડી રિમાંડ માંગ્યા છે.