
પયગંબર વિવાદને લઈને મલેશિયાએ ભારતીય હાઈ કમિશનરને તલબ કર્યા!
કુઆલાલંપુર, 8 જૂન : ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપુર શર્મા દ્વારા પયગંબર મોહમ્મદ વિશે કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણી અને પાર્ટીના મીડિયા ઈન્ચાર્જ નવીન જિંંદલનાઅ પમાનજનક ટ્વીટ'ની નિંદા કરતા ગલ્ફ દેશો કતર, કુવૈત, ઈરાન, સાઉદી અરેબિયા, પાકિસ્તાને પણ ભારતીય રાજદ્વારીઓને તલબ કર્યા છે. આ દેશોએ આવા વિવાદાસ્પદ નિવેદનોની સખત નિંદા કરી હતી. હવે આ એપિસોડમાં મલેશિયાનું નામ પણ જોડાઈ ગયું છે. મલેશિયાએ ભારતીય હાઈ કમિશનરને તલબ કર્યા છે.
મલેશિયાએ ભારતીય હાઈ કમિશનર બીએન રેડ્ડીને આ મામલે વિરોધ નોંધ આપવા માટે સમન્સ પાઠવ્યું હતું. વિદેશ મંત્રાલયએ એક નિવેદનમાં જણાવ્યું કે, તેઓએ બપોરે ભારતના ઉચ્ચાયુક્તને બોલાવ્યા છે, જેથી આવી ટિપ્પણીઓ સામે દેશના વાંધાઓથી વાકેફ કરી શકાય. ઉપરાંત મલેશિયાએ બીજેપી હાઈકમાન્ડના નિર્ણયનું સ્વાગત કર્યું, જેમાં પાર્ટીએ પ્રવક્તા નુપુર શર્મા અને મીડિયા ઈન્ચાર્જ નવીન જિંદલ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
બીજેપી પાર્ટી હાઈકમાન્ડે પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ બીજેપી પ્રવક્તા નુપુર શર્મા અને મીડિયા ઈન્ચાર્જ નવીન જિંદલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આ વિવાદાસ્પદ ટીપ્પણી બાદ નુપુર શર્માને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે નવીન જિંદલને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
કુવૈત, ઈરાન, સાઉદી અરેબિયા અને પાકિસ્તાને પણ નૂપુર શર્માના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. કતર અને કુવૈત બાદ હવે ઈરાને પણ ભારતીય રાજદૂતને બોલાવીને પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે. જો કે, ભાજપ અને મોદી સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સરકારને આવા નિવેદનો સાથે કોઈ લેવાદેવા નથી.