
સંવિધાન દિવસે મલ્લિકાર્જુન ખડગેના બીજેપી પર પ્રહાર, કહ્યું-સરકારે RSS સામે સરેન્ડર કર્યુ!
નવી દિલ્હી : સંવિધાન દિવસે કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બીજેપી અને સરકાર પર પ્રહારો કર્યા છે. ખડગેએ મોટો આરોપ લગાવતા કહ્યું કે, બીજેપી અને સરકારે RSS સામે સમર્પણ કરી દીધુ છે. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સરકારે પોતાને અને સંસ્થાઓને આરએસએસને સોંપી દીધા છે. એક સંસ્થા સમાજ સેવાની આડમાં પ્રચાર કરી રહી છે. હવે આરએસએસ અને બીજેપી શબ્દો એકબીજાના બદલે વાપરવું ખોટું નહીં હોય.
અહીં ખડગેએ વધુમાં કહ્યું કે, આનું મૂળ આરએસએસની વિચારધારા છે. તેના લોકો બંધારણીય સંસ્થાઓ અને ન્યાયતંત્રમાં બેઠા છે. ખડગે એ આગળ કહ્યું કે, જે બંધારણ સાત દાયકા કરતા વધુ સમયથી સમયની કસોટી પર ઊભું રહ્યું તે આજે તે મૂળભૂત કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ પ્રસંગે ખડગેએ બંધારણ સભાને યાદ કરી અને કહ્યું કે, અમે બંધારણ સભાના તમામ મહાન નેતાઓના અમૂલ્ય યોગદાનને યાદ કરીએ છીએ.
મલ્લિકાર્જુન ખડગેએ બીજેપી પર પાખંડનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, બીજેપીના વૈચારિક પ્રમુખોને બંધારણના નિર્માણ સાથે કોઈ લેવાદેવા ન હતી અને મોદીએ 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું એટલા માટે નક્કી કર્યું, કારણ કે તે બંધારણ પ્રત્યે આદર દર્શાવવા ઉત્સુક હતા.
ખડગે એકલા નથી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વિટ કરીને કહ્યું કે, ભાજપના વૈચારિક વડાઓને બંધારણના નિર્માણ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે એક પછી એક ટ્વિટ કર્યા અને આગળ કહ્યું કે, હકીકતમાં RSS ભારતના બંધારણની વિરુદ્ધ હતું. આદર દર્શાવવા પીએમ મોદીએ 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું, તેમ છતાં તેઓ દરરોજ તેને વિકૃત કરે છે.