મેહુલ ચોક્સી એંટીગુઆ-બારબુડા કોર્ટમાં જીત્યો, હવે ભારત લાવવાનુ મુશ્કેલ
Mehul Chowksi Wins In Court: પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં 13,000 કરોડ રુપિયાની છેતરપિંડી કરવાના કેસમાં વૉન્ટેડ હીરા વેપારી મેહુલ ચોક્સીએ કોર્ટ કેસ જીતી લીધો છે. એંટીગુઆ અને બારબુડા હાઈકોર્ટે શુક્રવારે મેહુલ ચોક્સીના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો.
કોર્ટે કહ્યુ કે મેહુલ ચોક્સીને એંટીગુઆ અને બારબુડાથી બહાર ના લઈ જઈ શકાય. કોર્ટના આ ચુકાદાથી મેહુલ ચોક્સીને ભારત લાવવાનુ મુશ્કેલ બની શકે છે.

એંટીગુઆ અને બારબુડા હાઈકોર્ટમાં મેહુલ ચોક્સીએ રાહતની માંગ કરીને કહ્યુ કે, 23 મે, 2021ના રોજ એન્ટીગુઆ અને બરબુડામાંથી તેના બળજબરીથી અપહરણની તપાસ થવી જોઈએ. તેણે તેના સિવિલ દાવામાં દલીલ કરી છે કે એન્ટિગુઆના એટર્ની જનરલ અને પોલીસ વડાની ફરજ છે કે તેઓ તેમની સામે દાખલ થયેલા કેસોની તપાસ કરે.
આ મામલાને ગંભીરતાથી લેતા કોર્ટે આદેશ આપ્યો હતો કે મેહુલ ચોકસીને કોર્ટના આદેશ વિના એન્ટિગુઆ અને બરબુડા બોર્ડરથી બહાર ન લઈ જવામાં આવે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ કે ડોમિનિકન પોલીસે તપાસ કરવી જોઈએ કે શું એવા પુરાવા છે કે ચોક્સીને તેની મરજી વિરુદ્ધ બળજબરીથી ડોમિનિકામાં લઈ જવામાં આવ્યો હતો?
તમને જણાવી દઈએ કે સીબીઆઈ કહી ચૂકી છે કે તે ભાગેડુઓ અને ગુનેગારોને ફોજદારી ન્યાયની પ્રક્રિયાનો સામનો કરવા માટે ભારતમાં પાછા લાવવાના તમામ પ્રયાસો કરવામાં અચકાશે નહીં. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 મહિનામાં 30થી વધુ વૉન્ટેડ અપરાધીઓ ભારત પરત ફર્યા છે. સીબીઆઈએ 15 ફેબ્રુઆરી 2018ના રોજ મેહુલ ચોક્સી અને અન્ય લોકો વિરુદ્ધ પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો હતો.
નોંધનીય છે કે ઈન્ટરપોલે પંજાબ નેશનલ બેંકના 2 અબજ ડૉલરના છેતરપિંડી કેસમાં ભાગેડુ મેહુલ ચોક્સી સામેની રેડ નોટિસ ગયા મહિને હટાવી દીધી છે. મેહુલ ચોક્સીને ડિસેમ્બર 2018માં રેડ નોટિસમાં જોડવામાં આવ્યો હતો. ઈન્ટરપોલની વૉન્ટેડ લિસ્ટમાંથી ચોક્સીનુ નામ હટાવવાનો ભારત સરકારે જોરદાર વિરોધ કર્યો હતો.












Click it and Unblock the Notifications
