મોદી ગુજરાત અને ઉત્તર પ્રદેશ બંને રાજ્યોમાંથી લોકસભા ચૂંટણી લડશે?

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પર વિશ્વાસ કરીએ તો નરેન્દ્ર મોદી 2014માં યોજાનારી લોકસભા ચૂંટણી 2014 માટે ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાંથી એમ બંને રાજ્યોની લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશથી લોકસભા ચૂંટણી લડે. આરએસએસ એટલે કે સંઘનું કેન્દ્રીય નેતૃત્વ પણ ઇચ્છે છે કે પાર્ટી લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યને ધ્યાનમાં રાખે જે કોઇ પણ આગામી સરકારની રચના માટે મહત્વનું સાબિત થઇ શકે એમ છે.
પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર સંઘ દબાણ કરી રહ્યો છે કે નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાંથી જ લોકસભા ચૂંટણી લડે. સંઘના કેન્દ્રીય નેતૃત્વનું માનવું છે કે જો ભાજપે વર્તમાન કોંગ્રેસી કેન્દ્ર સરકારને ઉખાડી ફેંકવી હશે તો ઉત્તર પ્રદેશ જેવા રાજકીય સ્તરે મહત્વના રાજ્ય પર વધારે ધ્યાન આપવું પડશે.
આ કારણે જ સંઘ નરેન્દ્ર મોદી અને એલ કે અડવાણીની વચ્ચે શાંતિદૂત બનીને કામ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મોદીને ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ બનાવ્યા બાદ અડવાણી ભાજપના ત્રણ મહત્વના પદો પરથી રાજીનામા આપી ચૂક્યા છે. જો કે સંઘ પ્રમુખ મોહન ભાગવતની દરમિયાનગીરી બાદ તેમણે પોતાનું રાજીનામુ પાછું લીધું હતું.












Click it and Unblock the Notifications
