
મોદીએ પીએમને લખ્યો પત્ર, કરી શિંદે વિરુદ્ધ કાર્યવાહીની માંગ
નવી દિલ્હી, 15 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ દ્વારા ઘોષિત પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને ઘેરવામાં આવ્યા છે. મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેની ‘લઘુમતિઓની ઘરપકડ' વાળા નિવેદન વિરુદ્ધ પીએમને પત્ર લખ્યો છે. મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને શિંદે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
મોદીએ આ પહેલા ગોવામાં સંકલ્પ રેલી દરમિયાન સુશીલ કુમાર શિંદે દ્વારા રાજ્ય સરકારોને લઘુમતિ સમુદાયના સભ્યો વિરુદ્ધ આતંકવાદના મામલાઓની સમીક્ષા કરવા માટે કહેવા બદલ તેમને આડા હાથે લીધા હતા અને હવે તેમણે તેની ફરિયાદ વડાપ્રધાનને કરી છે.
ગોવામાં શિંદે પર નિશાન સાધતા મોદીએ કહ્યું હતું કે, શિંદે વોટ બેન્કનું રાજકારણ કરી રહ્યાં છે. થોડાક દિવસ પહેલા ગૃહમંત્રાલય તરફથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યમાં જો કોઇ ગુનેગારની ધરપકડ કરવામાં આવે તો પહેલા એ જોવામાં આવે કે ક્યાંક મુસલમાનની ધરપકડ તો કરવામાં નથી આવી રહી ને.