ભારતમાં 18 ટકા ચૂંટણી ઉમેદવારો સામે ફોજદારી કેસો
નવી દિલ્હી, 30 જુલાઇ : રાજધાની સ્થિત એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મ (એડીઆર) દ્વારા કરવામાં આવેલા નવા સર્વેક્ષણમાં ધણી બધી ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવી છે. છેલ્લા દશકમાં એડીઆર દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં જે બાબતો સપાટી ઉપર આવી છે તે મુજબ 62847 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 1.37 કરોડની હતી, પરંતુ ચૂંટણી જીતી ગયા બાદ આ જ ઉમેદવારોની સંપત્તિ વધીને 3.83 કરોડ ઉપર પહોંચી ગઈ છે.
વધારે રસપ્રદ બાબત એ છે કે ફોજદારી કેસોનો સામનો કરી રહેલા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ આ કરતા પણ વધારે વધી છે. તેમની સંપત્તિ વધીને રૂપિયા 4.30 કરોડ સુધી પહોંચી છે. હત્યા, અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર પ્રકારના પેડીંગ આરોપોનો સામનો કરી રહેલા ધારાસભ્યો અને સાંસદોની સંપત્તિ આનાથી પણ વધારે વધી છે અને તેમની સરેરાશ સંપત્તિ 4.38 કરોડની આસપાસ પહોંચી છે.

આંકડા દર્શાવે છે કે મની અને મસલ પાવર માત્ર ચૂંટણી જીતવામાં જ મદદરૂપ થતા નથી. પરંતુ આ બાબત સાંસદો કે ધારાસભ્યોને તેમની સંપત્તિમાં વધારો કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. રાજકારણીઓના ગુનેગારીકરણને રોકવા માટે ધણા બધા પગલાં લેવામાં આવ્યા હોવા છતાં આને રોકવામાં સૂંપૂર્ણપણે સફળતા હાથ લાગી નથી. કરોડપતિ ઉમેદવારો વધારે સફળતા મેળવી શક્યા છે. સાફ અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોની સરખામણીમાં જીતના મામલામાં પણ કલંકીત નેતાઓ આગળ રહ્યા છે.
અભ્યાસ દર્શાવે છે કે ચૂંટણી સુધારા અંગે પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આ તારણો ચોંકાવનાર છે. ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી એફીડેવીટના આધાર ઉપર આ આંકડા જારી કરવામાં આવ્યા છે. 2004 બાદથી 62847 સંસદ સભ્યો અને વિધાનસભાના ઉમેદાવારો પૈકી 11063 ઉમેદવારો અથવા તો 18 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસો રહેલા છે.
આ પૈકી 8 ટકા અથવા તો 5253 જેટલા ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ફોજદારી કેસો રહેલા છે. રાજકીય પક્ષોએ પણ ફજદારી રેકોર્ડ ધરાવતાં ઉમેદવારો પૈકી 74 ટકા ઉમેદવારોને ટિકિટો આપી છે. બીજી વખત પણ આ ઉમેદવારો ટિકીટ મેળવી શક્યા છે. તેમના નિરાશાજનક દેખાવ છતાં મની અને મસલ પાવરને આધારે ટિકિટ આપવામાં આવી છે.
એડીઆરના આંકડા દર્શાવે છે કે ફોજદારી રેકોર્ડ ધરાવતા ઉમેદવારોની સંપત્તિ અતિ ઝડપથી વધી છે. 4181 રિપીટ ઉમેદવારોના ગુનેગારી રેકોર્ડમાં ચકાસણી દર્શાવે છે કે 1072 જેટલા ઉમેદવાર પ્રથમ વખત ગુનેગારી રેકોર્ડ સાથે આવ્યા હતા. જ્યારે 788 બીજી વખત પણ મેદાનમાં ઉતર્યા હતા. આનો મતલબ એ થયો કે રાજકીય પક્ષોએ કંગાળ બેકગ્રાઉન્ડથી વાકેફ હોવા છતાં બીજી વખત પણ ફોજદારી રેકોર્ડ ધરાવતા ઉમેદવાર પૈકી 74 ટકા ઉમેદવારોને ટિકિટો આપી હતી. તેમની સરેરાશ સંપત્તિ 2.34 કરોડની હતી.












Click it and Unblock the Notifications
