• search

જાણો: મોદીએ ઉમેદવારીપત્ર ભરતા પહેલા વારાણસી વિશે શું લખ્યું?

ગાંધીનગર, 24 એપ્રિલ : આજે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પ્રાચીન શહેર અને ભગવાન વિશ્વનાથની ભૂમિ વારાણસીમાંથી પોતાનું ઉમેદવારીપત્ર ભરવાના છે. ઉમેદવારીપત્ર ભરતા પહેલા આજે સવારે તેમણે વારાણસી શહેર અંગે પોતાના વિચારો અને લાગણીઓને પોતાના બ્લોગમાં આ રીતે શબ્દોમાં ઢાળી હતી...

modi-agra-rally

પ્રિય મિત્રો,

આજે હું ભગવાન સોમનાથની ધરતી પરથી ભગવાન વિશ્વનાથની નગરી માટેની અવિસ્મરણીય યાત્રા શરૂ કરવા જઇ રહ્યો છું. દિવસની મધ્યભાગમાં હું વારાણસીથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરીશ. હું પાર્ટીના નેતૃત્વને ધન્યવાદ કહેવા માંગીશ કે તેમણે મને આ મહાન પ્રાચીન શહેરમાંથી ચૂંટણી લડવાની તક આપી. હું મારા પાર્ટી કાર્યકર્તાઓને અભિનંદન આપું છું કે જેમણે મારી ઉમેદવારીની જાહેરાત થયાના તરત બાદ પાયાના સ્તરેથી મહેનત કરી રહ્યા છે. હું નમન કરું છું કે દેશભરના એ કાર્યકર્તાઓ અને શુભચિંતકોએ પાછલા અનેક મહિનાઓથી મને પોતાનું સમર્થન અને આશીર્વાદ આપી રહ્યા છે.

વારાણસી અંગે માર્ક ટ્વેને જણાવ્યું હતું કે 'વારાણસી ઇતિહાસથી પણ પુરાતન છે, પરંપરાઓથી પણ જુનું છે. કિવદંતીઓથી પણ પ્રાચીન છે. જો આ બધાને એક સાથે મુકવામાં આવે તો તેનાથી પણ વધારે પ્રાચીન છે.'

વારાણસી ભારતની ગૌરવશાળી સંસ્કૃતિનું ઉદ્દમ અને પરંપરાઓ, લોક નીતિઓ તથા સદાશ્યતાનું સંગમ સ્થળ છે. આ સંકટ મોચન મંદિરની મંગળભૂમિ છે. આ ધરા દુનિયાભરના લોકોને આકર્ષિત કરે છે, જે અહીં શાંતિ અને મોક્ષની શોધમાં આવે છે. સારનાથમાં જ ગૌતમ બુદ્ધે જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ પોતાનો પ્રથમ ધર્મ ઉપદેશ આપ્યો હતો.

વારાણસી પૂજનીય સંત રવિદાસનું જન્મસ્થળ છે. બનારસમાં જ મહાત્મા કબીરનો જન્મ થયો હતો, તેમનો ઉછેર થયો હતો, તેમણે પોતાના જ્ઞાનનો પ્રકાશ દુનિયાભરમાં ફેલાવ્યો હતો. મિર્ઝા ગાલિબે બનારસને 'કાબા - એ - હિન્દુસ્તાન' અને 'ચિરાગ - એ - દૈર' કહ્યું હતું.

જ્યારે પંડિત મદન મોહન માલવિયાએ શિક્ષણ કેન્દ્રની સ્થાપના માટે સ્થળની પસંદગી કરવાની હતી ત્યારે તેમણે બનારસ ઉપર જ પસંદગી ઉતારી હતી. ગંગા જમુના તહેઝીબના મહાન દૂત ઉત્સાદ બિસ્મિલ્લા ખાનનો ઉલ્લેખ કર્યા વિના વારાણસીનો પરિચય અધૂરો લાગે છે. વારાણસી માટે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનનો પ્રેમ અતુલનીય અને અવિસ્મરણીય છે. મને અત્યંત આનંદ થયો હતો કે વર્ષ 2001માં અટલજીની સરકારે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનને ભારત રત્નથી નવાજ્યા હતા.

વાસ્તવમાં વારાણસી અને અહીંના લોકોમાં કશુંક તો ખાસ છે. આ દેવભૂમિના દરેક નિવાસી પોતાની અંદર ક્યાંકને ક્યાંક દેવત્વના ગુણ ધરાવે છે. આ સત્પ્રેરણા અને ભગવાન વિશ્વનાથના આશીર્વાદની સાથે શાનદાર અતીતવાળા વારાણસીના વૈભવશાળી ભવિષ્યના નિર્માણ માટે અમે નીકળી પડ્યા છીએ.

અમારું માનવું છે કે વારાણસી વિશ્વ વિરાસત સ્થળ તરીકે આગળ આવે જે ઉપાસકોની સાથે સાથે ભારતની સંસ્કૃતિને સમજવા અને આત્મસાત કરનારા લોકોને પણ પોતાની તરફ આકર્ષિત કરી શકે. તેનો અર્થ છે કે અમે વારાણસી માટે અત્યાધુનિક પર્યટનની સુવિધાઓનું નિર્માણ કરવાનું હશે. મારો દ્રઢ વિશ્વાસ છે કે એક વાર જો આપણે પર્યટનને જરૂરી પ્રોત્સાહન આપવામાં સફળ રહીશું તો તેનાથી વધુમાં વધુ પર્યટકો અહીં આવશે અને ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ અહીં આજીવિકા મેળવી શકશે. વધારે પર્યટકો આવશે તો એ લોકો માટે લાભપ્રદ રહેશે. તેમાં જે લોકો મંદિરો સાથે જોડાયેલા હોય છે, ઘાટો પર રહે છે, જે ગાંગા ઘાટ પરથી સવારિઓનું પરિવહન કરે છે એ બધાને ફાયદો થશે. આમ કરવાથી સમગ્ર શહેર અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રની કાયા પલટ થઇ જાય છે.

ગંગા વારાણસીની જીવન રેખા છે. અહીંની ઓળખનો મૂળ આધાર છે. તે આપણી માતા છે. દુર્ભાગ્યવશ અમે ગંગા પ્રત્યે એટલું ધ્યાન આપી શક્યા નથી, જેટલું આપવું જોઇતું હતું. ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં ગંગાની હાલત દયનીય છે. આપણે આવું ચાલવા દઇ શકીએ નહીં. સમયની માંગ છે કે ગંગાની સંપૂર્ણ સફાઇ કરવામાં આવે અને તેના ગૌરવને પૂર્વવત કરવામાં આવે. વર્ષ 1986માં તત્કાલીન સરકાર ગંગા એક્શન પ્લાન લઇને આવી હતી. પરંતુ તે માત્ર એક પ્લાન બનીને રહી ગયો. તેમાં એક્શન દરેક પ્રકારે અપૂરતી હતી. બજેટની ફાળવણી થઇ પરંતુ નિર્ધારિત ઉદ્દેશ્ય માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. વરુણાની સ્થિતિ પણ આવી જ છે. હવે સમય છે કે આ અસંગતિઓને તત્કાળ દૂર કરવામાં આવે.

જ્યારે હું ગંગાની સફાઇ માટે પોતાની પ્રતિબદ્ધતાની વાત કરું છું તો તે માત્ર વાયદો નથી હોતો. જ્યારે હું 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યો ત્યારે સાબરમતીની સ્થિતિ પણ આવી જ હતી. તે સર્કસોના આયોજન અને બાળકોના ક્રિકેટ રમવાના મેદાન માટે જાણીતી હતી. આજે વર્ષ 2014માં સમગ્ર દ્રશ્ય બદલાઇ ગયું છે. અમે નર્મદાનું પાણી સાબરમતીમાં વહેવડાવી રહ્યા છીએ. એક વિશ્વસ્તરીય સાબરમતી રિવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું. જે અમદાવાદનું સૌથી લોકપ્રિય મનોરંજન અને સાંસ્કૃતિક સ્થળ બની ગયું છે. ભગવાન ભોલેનાથના આશીર્વાદથી અમે વારાણસીમાં પણ આ પ્રકારના પરિવર્તનની આશા રાખીએ છીએ.

માત્ર ગંગા જ અત્યંત લાપરવાહીનો શિકાર બની છે એવું નથી. અહીંની સફાઇ વ્યવસ્થા પણ ડગમગી ગઇ છે. અમે વારાણસીમાં સફાઇના મુદ્દાને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે. જેથી આપણે વારાણસીના નિવાસીઓ માટે સ્વચ્છ અને હરિયાળા શહેરને બનાવી શકીએ. આપણે કચરાને એકત્ર કરીને રિસાયકલિંગ સુધી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરીશું. કચરાના નિકાલ માટે અત્યાર સુધી પ્રચલનમાં રહેલી વ્યવસ્થા વારાણસીના લોકોની આશાને અનુસાર રહી નથી. અત્યંત ઓછા સમયમાં આપણે આ વ્યવસ્થાને ઇતિહાસ બનાવી દઇશું. એક નિશ્ચિત સમયસીમામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સાથે જ સીવર અને રાસાયણિક અપશિષ્ટ સાથે જોડાયેલી સમસ્યાએને ઓછી કરવાનો પ્રયાસ કરીશું.

વારાણસીના વણકરો આ શહેરના ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્યના અભિન્ન અંગ છે. દુર્ભાગ્યવશ દિલ્હી અને લખનૌ સરકારોની ઉદાસીનતાથી તેમનું કામ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આ ક્ષેત્રને નવીનતમ પ્રૌધ્યોગિકી અને ગુણાત્મક મૂલ્ય સંવર્ધનની સાથે વૃદ્દિ આપવા માટે દ્રઢ સંકલ્પિત છું. જેથી વારાણસીના વણકર વિશ્વસ્તર પર આપણી શાન બની શકે. તેમને સારી ગુણવત્તાવાળા કાચા માલની ઉપલબ્ધતાથી લઇને ઉત્પાદનોને વધારે સારા વેચાણ સુધી પહોંચાડવાનો મારો સંકલ્પ છે. તેઓ પોતાના ગર્વની સાથે પોતાના પગે ઉભા થઇ શકે અને આવનારી પેઢીઓનું ભવિષ્ય ઉજ્જળ બને.

કેટલાક દિવસ પહેલા એક વ્યથિત કરી દેનારી ઘટના મારી જાણકારીમાં આવી. વારાણસીની પાસે એક ગામમાં હાઇ વોલ્ટેડ લાઇન તૂટીને પડી ગઇ. જેના કારણે કેટલાક લોકો ઘાયલ થઇ ગયા. તેમાં મહિલાઓ પણ સામેલ હતી. મને એ જાણીને ખૂબ આશ્ચર્ય થયું કે ઘાયલોને સારવારની સહાયતા પણ આપવામાં આવી નથી. સ્થાનિક વહીવટી તંત્ર મૂક દર્શક બનીને જોઇ રહ્યું હતું. ઉત્તર પ્રદેશની અવગતિ અને અહીં ચાલી રહેલા કુશાસનનું આ લક્ષણ છે. આપણે તેને ખત્મ કરવું જોઇએ.

મિત્રો, આજે હું વારાણસી જઇ રહ્યો છું. મને આપનું સમર્થન અને શુભેચ્છાઓ જોઇએ છીએ. મને આશીર્વાદ આપો કે હું આ ગૌરવશાળી શહેરને શ્રેષ્ઠતાના શિખર પર પુન:સ્થાપિત કરી શકું. હું પુરા સામર્થ્ય સાથે પ્રયાસ કરીશ કે માત્ર વારાણસી નહીં પરંતુ સમગ્ર પૂર્વાંચલના લોકોના જીવનમાં સુખદ બદલાવ લાવી શકું જેથી આ વિસ્તાર એકવાર ફરી આપણા રાષ્ટ્ર અને સાંસ્કૃતિક ગૌરવનું કેન્દ્ર બને.

આપનો,

નરેન્દ્ર મોદી

English summary
Narendra Modi said in his blog that, Today I embark on a unique and memorable journey from the land of Somnath to the city of Lord Vishwanath. Later today I will be filing my nomination papers from Varanasi as the BJP candidate.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more