
નીરજ ચોપરા : ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચવા સુધીની રોચક કહાણી
નીરજ ચોપરા ટોક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા ભારતના પ્રથમ ખેલાડી બની ચૂક્યા છે.
તેમણે 87.58 મીટર ભાલાફેંક સાથે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવી ગયો.
નીરજે પોતાના પ્રથમ પ્રયાસમાં 87.03 મીટર, બીજા પ્રયાસમાં 87.58 મીટર અને ત્રીજા પ્રયાસમાં 76.79 મીટર દૂર ભાલાને ફેંક્યો.
આ સ્પર્ધામાં બીજા અને ત્રીજા સ્થાને રહેલા ખેલાડીઓ ચેક રિપબ્લિકના હતા.
નીરજ ચોપરાની આ જીત સાથે ભારતના ટોક્યો ઑલિમ્પિકમાં સાત મેડલ થઈ ગયા છે અને આ ઑલિમ્પિક રમતોમાં ભારતે જીતેલા સૌથી વધુ મેડલ છે.
આ પહેલાં લંડન ઑલિમ્પિકમાં ભારતે છ મેડલ જીત્યા હતા.
સાથે જ નીરજ ઑલિમ્પિકની વ્યક્તિગ સ્પર્ધામાં ગોલ્ડ મેળવનારા માત્ર બીજા ખેલાડી બની ચૂક્યા છે. અભિનવ બિંદ્રાએ બીજિંગ ઑલિમ્પિક 2008માં 10 મીટર રાઇફલ શૂટિંગમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પ્રથમ વખત ઑલિમ્પિકમાં રમી રહેલા નીરજ ચોપરા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં બંને ગ્રૂપમાં સૌથી ઉપર રહ્યા હતા. ત્યારે તેમણે 86.65 મીટર દૂર ભાલો ફેંક્યો હતો.
નીરજ આ વર્ષે માર્ચમાં ઇન્ડિયન ગ્રાં પ્રી-3માં 88.07 મીટર દૂર ભાલો ફેંકવાની સાથે પોતાનો જ રાષ્ટ્રીય રેકર્ડ તોડ્યો હતો.
જૂન માસમાં પોર્ટુગલના લિસ્બન શહેરમાં થયેલ મિટિંગ સિડડે ડી લિસ્બોઆ ટૂર્નામેન્ટમાં તેમણે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
- નીરજ ચોપરાએ ટોક્યોમાં ભારતને અપાવ્યો પ્રથમ ઑલિમ્પિક ગોલ્ડ મેડલ
- બજરંગ પુનિયા : ગામના અખાડાથી ઑલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીતવા સુધીની સફરની કહાણી
પાણીપતના ગામથી શરૂ થઈ કહાણી
અંજૂ બૉબી જ્યોર્જ બાદ વિશ્વની કોઈ પણ મોટી ઍથલેટિક્સ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ માત્ર બીજા ભારતીય ઍથ્લીટ છે.
નીરજની કહાણી પાણીપતના એક નાનકડા ગામડાથી શરૂ થાય છે, જ્યાં નાની ઉંમરે નીરજ ભારે ભરખમ શરીરવાળા હતા. લગભગ 80 કિલોગ્રામ વજન વાળા. કુરતો પાયજામો પહેરેલા નીરજને બધા સરપંચ કહેતા.
ફિટ થવા માટે તેઓ પાણીપતમાં સ્ટેડિયમમાં જવા લાગ્યા અને અન્યોની સલાહ પર ભાલાફેંકની રમતમાં હાથ અજમાવ્યો. અને ત્યાંથી જ તેમની આ સફરની શરૂઆત થઈ.
બહેતર સુવિધાઓને શોધતા નીરજ પંચકુલા શિફ્ટ થઈ ગયા અને પહેલી વાર તેમનો સામનો રાષ્ટ્રીય સ્તરના ખેલાડી સાથે થયો. તેમને સારી સુવિધાઓ મળવા લાગી.
જ્યારે રાષ્ટ્રીય સ્તરે રમવા લાગ્યા તો ખરાબ ગુણવત્તાવાળા ભાલાના સ્થાને હાથમાં સારો ભાલો આવી ગયો. ધીરે ધીરે નીરજની રમત તબદીલ થઈ રહી હતી.
- ભારતીય હૉકી ટીમના હીરો, જેના કારણે 41 વર્ષ બાદ ઇતિહાસ રચાયો
- અદિતિ અશોકે ચુપચાપ દિલ જીત્યું પણ મેડલ વેંત છેટો રહી ગયો
આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા
જ્યારે 2016માં ભારત પી. વી. સિંધુ અને સાક્ષી મલિકના મેડલની ખુશી મનાવી રહ્યું હતું ત્યારે ઍથ્લેટિક્સની દુનિયામાં ક્યાંક બીજે એક નવા સિતારાનો ઉદય થઈ રહ્યો હતો.
આ એ જ વર્ષ છે જ્યારે નીરજે પોલૅન્ડમાં U-20 વિશ્વ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેળવ્યો હતો.
જલદી જ આ યુવાન ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે છવાઈ ગયા. તેમણે ગોલ્ડ કોસ્ટમાં રાષ્ટ્રમંડળ રમતોમાં 86.47 મિટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ જીત્યો. તેમજ વર્ષ 2018માં એશિયન રમતોમાં 88.07 મિટર દૂર ભાલો ફેંકી રાષ્ટ્રીય રેકર્ડ બનાવ્યો હતો અને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
- ભારતીય મહિલા હૉકી ટીમ પર સૌ આફરીન, વિજેતા ટીમે પણ કર્યાં વખાણ, કહ્યું 'આગામી વર્ષો ઊજળાં'
- નાનકડા મણિપુરમાંથી ઑલિમ્પિક કક્ષાના આટલા બધા ખેલાડી કેવી રીતે આવે છે?
ઈજાએ વધારી મુશ્કેલી
પરંતુ 2019 નીરજ માટે ખૂબ મુશ્કેલીઓથી ભરેલું વર્ષ રહ્યું. ખભાની ઈજાના કારણે તેઓ રમી ન શક્યા અને સર્જરી બાદ ઘણા મહિના સુધી આરામ કરવો પડ્યો. પછી 2020 આવતાં સુધી તો કોરોનાના કારણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જ નહોતી યોજાઈ શકી.
જોકે આવું પહેલી વખત નથી બન્યું ઈજાગ્રસ્ત હોવાના કારણે નીરજને આવી રીતે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોય.
વર્ષ 2012માં જ્યારે તેઓ બાસ્કેટ બૉલ રમી રહ્યા હતા ત્યારે તેમની કાંડું ભાંગી ગયું હતું, એ જ કાંડું જેનાથી તેઓ થ્રો કરે છે. ત્યારે નીરજે કહ્યું હતું કે એક વખતે તેમને લાગ્યું હતું કે તેઓ કદાચ નહીં રમી શકે.
પરંતુ નીરજની મહેનત અને તેમની ટીમની કોશિશથી તેઓ આ પડાવ પણ પાર કરી ગયા.
આજની તારીખમાં ભલે તેમની પાસે વિદેશી કોચ છે, બાયોમિકૅનિકલ નિષ્ણાત છે પરંતુ 2015ની આસપાસ સુધી નીરજ એક પ્રકારે આપમેળે જ ટ્રેનિંગ કરતા. જેમાં ઈજાગ્રસ્ત થવાનો ખતરો હંમેશાં રહે છે. ત્યાર બાદ જ તેમને સારા કોચ અને અન્ય સુવિધાઓ મળવા લાગી.
- ઑલિમ્પિકમાં ઇતિહાસ રચનારાં પીવી સિંધુની કહાણી
- લવલીના બોરગોહાઈ : ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનાર બૉક્સર કોણ છે?
રમત માટે માંસાહાર
રિયો ઑલિમ્પિકમાં નીરજ નહોતા રમી શક્યા, કારણ કે તેમણે ક્વૉલિફિકેશન માર્કવાળો થ્રો જ્યારે કર્યો ત્યાં સુધી ક્વૉલિફાઈ થવાની અંતિમ તારીખ પસાર થઈ ચૂકી હતી.
નીરજ માટે આ દિલ તૂટવા જેવો અનુભવ હતો. પરંતુ ટોક્યોમાં નીરજે આવું ન થવા દીધું.
ભાલો નીરજનો જુસ્સો છે. પરંતુ તેઓ બાઇક ચલાવવાના પણ શોખીન છે અને સાથે જ હરિયાણવી રાગિણીઓનો પણ. પંજાબી ગીતો અને બબ્બૂ માન તેમની પ્લેલિસ્ટમાં રહે છે.
ક્યારેક શાકાહારી રહેલા નીરજ હવે પોતાની રમતના કારણે માંસાહારી થઈ ગયા છે.
ખેલાડીએ એક નિશ્ચિત ડાયટ અનુસરવી જ પડે છે અને પાણીપૂરીને તેઓ પોતાનું મનપસંદ જંકફૂડ માને છે.
તેમના લાંબા વાળના કારણે લોકો સોશિયલ મીડિયા પર તેમને મોગલી નામથી પણ ઓળખે છે, કદાચ લાંબા વાળ અને સ્કૂર્તિના કારણે.
આ સ્કૂર્તિ જ તેમને ઑલિમ્પિક સુધી લઈ આવી છે. નીરજ હજુ 23 વર્ષના છે અને તેમની નજર 2024ના પેરિસ ઑલિમ્પિક પર છે.

- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=vBM7v9svZbM
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો