NEET Paper Leak : નીટ પેપર લીક કેસમાં પટણા એઈમ્સના 4 MBBS સ્ટુડન્ટની ધરપકડ, CBI ની કસ્ટડીમાં મોકલાયા
નરેન્દ્ર મોદી સરકારના સૌથી મોટા કૌભાંડમાંથી એક નેટ પેપર લીક કેસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે પોલીસે પટણાથી વધુ આરોપીઓને દબોચ્યા છે.
NEET પેપર લીક કેસમાં આ તમામ આરોપીઓને 4 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBI એ બુધવારે સાંજે NEET-UG પ્રશ્નપત્ર લીક કેસના સંબંધમાં AIIMS પટનામાંથી ચાર વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.

સીબીઆઈની ટીમે 2021 અને 2022 બેચના આ મેડિકલ વિદ્યાર્થીઓના રૂમની તપાસ કરી તેમના ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કર્યા છે અને પૂછપરછ માટે લઈ જવાયા છે.
ડીન અને હોસ્ટેલ વોર્ડન સહિત વરિષ્ઠ ફેકલ્ટી સભ્યોની હાજરીમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. અટકાયતની પુષ્ટિ કરતા AIIMS પટનાના ડિરેક્ટર ડૉ. જી.કે. પૉલે કહ્યું કે, CBIએ AIIMS પટનાના ચાર વિદ્યાર્થીઓને ઝડપ્યા છે. ચંદન સિંહ, રાહુલ અનંત અને કુમાર સાનુ ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ છે અને કરણ જૈન બીજા વર્ષનો વિદ્યાર્થી છે.
બીજી તરફ CBIએ અટકાયતમાં લેવાયેલા લોકો પર કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. હોસ્પિટલના એક વરિષ્ઠ અધિકારીએ ઉલ્લેખ કર્યો છે કે વિદ્યાર્થીઓને NEET-UG પ્રશ્નપત્ર ઉકેલવામાં કથિત રીતે મદદ કરવા બદલ તપાસ કરવામાં આવી રહી છે.
જમશેદપુરના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના 2017 બેચના સિવિલ એન્જિનિયર પંકજ કુમાર ઉર્ફે આદિત્ય અને હજારીબાગ ઝારખંડના રાજકુમાર સિંહ ઉર્ફે રાજુની ધરપકડ બાદ આ ધરપકડ કરવામાં આવી છે.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, પંકજ કુમાર અને રાજકુમાર સિંહે હજારીબાગમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ટ્રકમાંથી પ્રશ્નપત્રની ચોરી કરી હતી. કુમારને 14 દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે જ્યારે સિંહને 10 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે.
CBIએ કુલ 14 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને NEET-UG પરીક્ષાની ગેરરીતિઓ સંબંધિત એક મોટા આંતર-રાજ્ય કાવતરાનો પર્દાફાશ કર્યો છે. એક કથિત કિંગપિન રાકેશ રંજનની નાલંદામાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેના પર MBBS ઉમેદવારો માટે લીક થયેલ પેપર મેળવવા, ઉકેલવા અને ફેલાવવાનો આરોપ છે.












Click it and Unblock the Notifications
