હવે ઈન્ડિયા ગેટ પર 'અમર જવાન જ્યોત' નહીં જલે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલમાં વિલીન કરાશે!
નવી દિલ્હી, 20 જાન્યુઆરી : રાજધાની દિલ્હીના ઈન્ડિયા ગેટ પર 24 કલાક સળગતી અમર જવાન જ્યોતિ હવે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં બળશે. ભારતીય સેનાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમર જવાન જ્યોતિની જ્યોત 21 જાન્યુઆરી શુક્રવારે એક સમારોહમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સાથે ભળી જશે. એટલે કે હવે ઈન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિની મશાલ હવે પ્રજ્વલિત નહીં થાય.

ભારતીય સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયા ગેટ પર બનેલી અમર જવાન જ્યોતિને નેશનલ વોર મેમોરિયલની મશાલ સાથે ભેળવી દેવામાં આવશે, ત્યારબાદ અમર જવાન જ્યોતિની મશાલને બંધ કરી દેવામાં આવશે. શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના બલિદાનને યાદ કરવા માટે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મશાલ સળગતી રહેશે. ઈન્ડિયા ગેટ પાસે 40 એકર જમીન પર લગભગ 176 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ વોર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશ સરકારે ભારતીય સૈનિકોની યાદમાં ઈન્ડિયા ગેટ બનાવ્યો હતો. 1971ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં ઈન્ડિયા ગેટ પર 'અમર જવાન જ્યોતિ' મશાલ પ્રગટાવવામાં આવી હતી. યુદ્ધ દરમિયાન શહીદ થયેલા ભારતીય સેનાના સૈનિકોને શ્રદ્ધાંજલિ રૂપે અમર જવાન જ્યોતિ ઈન્ડિયા ગેટની નીચે 24 કલાક સળગતી રહે છે.












Click it and Unblock the Notifications
