રાહુલ ગાંધી કે મમતા નહીં પણ આ નેતા હશે INDIA ગઠબંધનના પીએમ ઉમેદવાર, સોનિયા ગાંધીનુ પણ સમર્થન
ધીરે ધીરે મજબુત થઈ રહેલુ ઇન્ડિયા ગઠબંધન હવે લોકસભા ચૂંટણી માટે તૈયાર છે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહની લોકશાહી વિરોધી નીતિઓનો મુકાબલો કરવા પુરી તૈયારી સાથે ઉતરશે.
વિધાનસભાની ચૂંટણી વચ્ચે ગઠબંધનના ઉમેદવારને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઈન્ડિયા ગઠબંધન કોંગ્રેસના દિગ્ગજ નેતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા તૈયાર થઈ શકે છે.

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંકેત આપ્યા છે કે, ઈન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હોઈ શકે છે. લાંબા સમયથી રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે ઈન્ડિયા એલાયન્સ લોકસભા ચૂંટણી-2024 નીતિશ કુમાર અથવા રાહુલ ગાંધીના નેતૃત્વમાં લડી શકે છે. હવે સ્થિતી બદલાઈ રહી છે.
સોનિયા ગાંધી સહિતના અગ્રણી વિપક્ષી નેતાઓએ લોકસભા ચૂંટણી-2024માં મલ્લિકાર્જુન ખડગેને મોટી ભૂમિકા આપવાના સંકેત આપ્યા છે. સોનિયા ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વને સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે. સોનિયા ગાંધીએ પણ આશા વ્યક્ત કરી છે કે પાર્ટીના નેતાઓ આ માટે સહમત થશે.
81 વર્ષીય મલ્લિકાર્જુન ખડગે 26 ઓક્ટોબરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. નવી દિલ્હીમાં પુસ્તક મલ્લિકાર્જુન ખડગેઃ પોલિટિકલ એન્ગેજમેન્ટ વિથ કમ્પેશન, જસ્ટિસ એન્ડ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટના લોન્ચિંગ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, ભારતના આત્મા માટે આ ઐતિહાસિક લડાઈ લડવા ખડગે સૌથી યોગ્ય છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, ખડગેએ હંમેશા પાર્ટી સંગઠનને પોતાના અંગત હિતથી ઉપર રાખ્યું છે. આજે તેમણે કોંગ્રેસ પાર્ટીને નિર્ણાયક મોરચે ઉભી કરી દીધી છે. જે સત્તામાં છે તે તે તમામ સંસ્થાઓ, પ્રણાલીઓ અને સિદ્ધાંતોને નષ્ટ કરી રહ્યા છે, જેના દ્વારા ભારત આઝાદી પછી વિકાસ પામ્યું છે. એક મજબૂત સંગઠનાત્મક નેતા તરીકે, મલ્લિકાર્જુન ખડગે સૌથી યોગ્ય છે.
આ પહેલીવાર છે જ્યારે સોનિયા ગાંધીએ 2024ની ચૂંટણી માટે ખડગેના નેતૃત્વને સમર્થન આપ્યું છે. અગાઉ એવી અટકળો હતી કે રાહુલ ગાંધીને સંયુક્ત વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં આવશે.
ખડગે અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં બે વિધાનસભા ચૂંટણી જીતી છે. ખડગે ઈન્ડિયા એલાયન્સ હેઠળ 27 પાર્ટીઓને એકસાથે લાવવામાં સફળ રહ્યા છે.












Click it and Unblock the Notifications
