• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઑપરેશન બ્લૂ સ્ટાર : જે બન્યું ઇંદિરા ગાંધીની હત્યાનું કારણ

By BBC News ગુજરાતી
|

એ 31 મે 1984ની સાંજ હતી. મેરઠમાં નાઇન ઇન્ફૅન્ટ્રી ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ કુલદીપ બ્રાર પત્ની સાથે દિલ્હી જવાની તૈયારી કરી રહ્યા હતા.

આગલા દિવસે તેમને મનીલાની ફ્લાઇટ પકડવાની હતી, જ્યાં તે રજા ગાળવા જવાના હતા. આ વાત એ સમયની છે કે જ્યારે પંજાબ અલગતાવાદની આગમાં સળગી રહ્યું હતું.

ગુરુદ્વારાઓમાં પંજાબને ભારતથી જુદું કરીને અલગ દેશ બનાવવાનાં ભાષણો અપાઈ રહ્યાં હતાં.

આ માટે ભારત સાથે સશસ્ત્ર સંઘર્ષ કરવા માટે પણ તૈયાર રહેવાની હાકલો પડાઈ રહી હતી.

પંજાબમાં ઘટી રહેલી આ તમામ ઘટનાઓએ દિલ્હીમાં બેઠેલા અધિકારીઓની ઊંઘ ઊડાવી દીધી હતી.

આ દરમિયાન સરકારના ટોચના નેતૃત્વે એક ઐતિહાસિક નિર્ણય લીધો.

એ નિર્ણય હતો 'ઑપરેશન બ્લૂ સ્ટાર'ને પાર પાડવાનો. મેજર જનરલ બ્રારને આ માટેની જવાબદારી સોંપવામાં આવી.


સુવર્ણમંદિર પર ભિંડરાંવાલેનો કબજો

મેજર જનરલ કુલદીપ બ્રાર યાદ કરે છે, "એ સાંજે મને ફોન આવ્યો કે આગલા દિવસે પહેલી તારીખે, સવારે મારે ચંડીમંદિર પહોંચવાનું છે. એક મિટિંગ માટે."

"પહેલી તારીખે, સાંજે જ અમારે મનીલા માટે નીકળવાનું હતું. અમારી ટિકિટ બુક થઈ ગઈ હતી. અમે અમારા ટ્રાવેલર ચેક લઈ લીધા હતા અને અમે દિલ્હી જઈ રહ્યા હતા. ફ્લાઇટ પકડવા."

"હું મેરઠથી દિલ્હી પહોંચ્યો, બાય રોડ. ત્યાંથી પ્લેનમાં ચંદીગઢ ગયો અને સીધો જ પશ્ચિમ કમાનના મુખ્યાલય પહોંચી ગયો.

"ત્યાં મને જાણ કરવામાં આવી કે મારે 'ઑપરેશન બ્લૂ સ્ટાર'ની આગેવાની લેવાની છે. જેમ બને એમ જલદી અમૃતસર પહોંચવાનું છે, કારણ કે સ્થિતિ કથળી ગઈ છે."

ભિંડરાવાલેએ સુવર્ણમંદિર પર સંપૂર્ણ કબજો જમાવી લીધો હતો અને પંજાબમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગયાં હતાં."

"મને કહેવામાં આવ્યું કે જલદીથી બધું બરોબર કરવાનું છે. નહીં તો પંજાબ આપણા હાથમાંથી નીકળી જશે."

"મારી રજા રદ થઈ ગઈ અને હું વિમાનમાં બેસીને સીધો જ અમૃતસર પહોંચ્યો."


ભિંડરાંવાલેનું કૉંગ્રેસ કનેક્શન

ભિંડરાંવાલેને કૉંગ્રેસીઓએ પ્રોત્સાહિત કર્યા હતા.

આ પાછળનું કારણ એવું હતું કે શીખોની માગ ઉઠાવનારી કોઈ એવી વ્યક્તિને ઊભી કરવી કે જે અકાલીઓને મળી રહેલા સમર્થનમાં ગાબડું પાડી શકે.

ભિંડરાંવાલે વિવાદાસ્પદ મુદ્દાઓ પર ઉશ્કેરણીજનક ભાષણો આપવાં લાગ્યાં અને ધીમેધીમે તેમણે કેન્દ્ર સરકારને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું.

આવી રીતે પંજાબમાં હિંસાની ઘટનાઓ વધવા લાગી.

વર્ષ 1982માં ભિંડરાંવાલે ચોક ગુરુદ્વારા છોડી સુવર્ણમંદિરમાં ગુરુ નાનકનિવાસ અને બાદમાં અકાલ તખ્તથી પોતાના વિચાર રજૂ કરવા લાગ્યા.


ખેતરને પેલે પાર પાકિસ્તાન

વરિષ્ઠ પત્રકાર અને બીબીસી માટે કામ કરી ચૂકેલા સતિશ જૅકબને ભિંડરાંવાલે સાથે કેટલીય વખત મુલાકાત કરવાની તક મળી હતી.

જૅકબ જણાવે છે, "હું જ્યારે પણ ત્યાં જતો હતો ત્યારે ભિંડરાંવાલેના રક્ષકો દૂરથી કહેતા હતા કે 'આઓજી આઓજી બીબજી આ ગયે.' તેમણે ક્યારેય બીબીસી નહોતું કીધું. તેઓ કહેતા કે તુસી અંદર જાઓ"

"સંતજી તમારી રાહ જોઈ રહ્યા છે. તેઓ નિરાંતથી મને મળતા હતા. મને આજે પણ યાદ છે કે મેં જ્યારે માર્ક ટલીની મુલાકાત તેમની સાથે કરાવી ત્યારે તેમણે પૂછ્યું હતું કે 'તારો ધર્મ શું છે?' જવાબમાં માર્ક બોલ્યા હતા કે 'હું ખ્રિસ્તી છું' "

"એના પર ભિંડરાંવાલેએ કહ્યું હતું, 'તમે ઇસુ ખ્રિસ્તને માનતા હશો.' માર્કે 'હા' પાડી. એના પર ભિંડરાંવાલે બોલ્યા, ઇસુ ખ્રિસ્ત તો દાઢી રાખતા હતા તું કેમ નથી રાખતો? "

"માર્કે કહ્યું હતું, 'દાઢી વગર જ બરોબર છું.' એના પર ભિંડરાંવાલેનું કહેવું હતું કે દાઢી વગર તું છોકરી જેવો લાગે છે અને માર્કે તેમની આ વાત હસીને ટાળી દીધી હતી."


ભારત-પાકિસ્તાન સરહદ

તેઓ જણાવે છે, "એક વાર ભિંડરાંવાલે સાથે મારી બહુ લાંબી વાત થઈ હતી. અમે બન્ને સુવર્ણમંદિરની છત પર બેઠા હતા. એ જગ્યાએ કોઈ આવતું-જતું નહોતું અને ચારેય બાજુ વાંદરા ફરી રહ્યા હતા."

"વાતવાતમાં મેં તેમને પૂછ્યું કે તમને લાગે છે કે તમે જે કંઈ કરી રહ્યા છો તેના લીધે તમારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે? તેમને વિશ્વાસ હતો કે તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં થાય"

"તેમણે મને ઇશારો કરીને જણાવ્યું કે સામે ખેતર છે. સાત-આઠ કિલોમિટર દૂર ભારત-પાકિસ્તાનની સરહદ છે."

"અમે પાછળના રસ્તેથી નીકળી જઈશું. ત્યાંથી છુપાઈને છાપામાર યુદ્ધ કરીશું. મને આશ્ચર્ય એ વાતનું હતું કે એ માણસ મને આ બધી વાતો કરી રહ્યો હતો અને મારા પર વિશ્વાસ મૂકી રહ્યો હતો."

"એમણે મને એવું પણ ના કહ્યું કે તું આ વાત છાપતો નહીં."

4 જૂન 1984માં ભિંડરાવાલેની પોઝિશનનો તાગ મેળવવા એક અધિકારીને સાદા કપડાંમાં સુવર્ણમંદિરની અંદર મોકલવામાં આવ્યો હતો.

5 જૂન બાદ સવારે જનરલ બ્રારે ઑપરેશનમાં ભાગ લેનારા સૈનિકોને ઑપરેશન અંગે બ્રિફ કર્યા હતા.


...ને એક શીખ ઑફિસર ઊભો થયો

જનરલ બ્રારે બીબીસીને જણાવ્યું, "સવારે ચાડા ચાર વાગ્યે હું દરેક બટાલિયન પાસે ગયો અને તેમના જવાનો સાથે લગભગ અડધો કલાક વાત કરી. "

"મેં તેમને કહ્યું કે સ્વર્ણમંદિરમાં પ્રવેશતી વખતે આપણે એ નથી વિચારવાનું કે આપણે કોઈ પવિત્ર જગ્યાને બરબાદ કરવા જઈ રહ્યા છે. પણ, આપણે એવું વિચારવાનું છે કે આપણે તેની સફાઈ કરવા જઈ રહ્યા છીએ. નુકસાન જેટલું ઓછું થાય એટલું સારું રહેશે."

"મેં તેમને એ પણ કહ્યું કે તમારામાંથી કોઈ અંદર જવા નથી માગતું કોઈ વાત નહીં. હું તમારા કમાન્ડિંગ ઑફિસરને કહીશ કે તમારે અંદર જવાની જરૂર નથી અને તમારા વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં કરવામાં આવે."

"હું ત્રણ બટાલિયન્સમાં ગયો. કોઈ ઊભું ના થયું. ચોથી બટાલિયનમાં એક શીખ ઑફિસર ઊભો થયો. મેં તેમને કહ્યું કે કોઈ વાત નહીં. જો તમારી લાગણીઓ આટલી જ ગાઢ છે તો તમારે અંદર જવાની જરૂર નથી. "

"તેણે કહ્યું કે તમે ખોટું સમજો છો. હું સૅકન્ડ લૅફન્ટન્ટ રૈના છું. હું અદર જવા માગું છું અને સૌથી પહેલાં જવા માગું છું. જેથી હું અકાલ તખ્ત પર સૌથી પહેલાં પહોંચી ભિંડરાંવાલેને પકડી શકું."

મેજર જનરલ કુલદીપ બ્રારે એવું પણ જણાવ્યું કે તેમને અંદાજ નહોતો કે અલગતાવાદીઓ પાસે રૉકેટ લૉન્ચર પણ હતાં.

બ્રારે જણાવ્યું, "મેં તેમના કમાન્ડિંગ ઑફિસરને કહ્યું કે આમની પ્લાટુન સૌથી પહેલાં અંદર જશે. તેમની પ્લાટુન સૌથી પહેલાં ગઈ. જોકે, તેમને મશીન ગનની એટલી બુલેટ્સ લાગી કે બન્ને પગ તૂટી ગયા."

"લોહી વહી રહ્યું હતું. તેમના કમાન્ડિંગ ઑફિસર કહી રહ્યા હતા કે તેમને રોકવાના પ્રયાસ કરું છું પણ તેઓ નથી રોકાઈ રહ્યા. પેટથી ઘસડાતાં ઘસડાતાં અકાલ તખ્ત તરફ આગળ વધી રહ્યા છે."

"એટલે મેં આદેશ આપ્યો કે તેમને બળજબરીપૂર્વક ઉઠાવી ઍમ્બ્યુલન્સમાં લઈ જવાય. બાદમાં એમના બન્ને પગ કાપવા પડ્યા. એમની બહાદુરી બદલ મેં તેમને અશોક ચક્ર અપાવ્યો."


પૅરાશૂટ રેજિમૅન્ટ

ઑપરેશનનું નેતૃત્વ કરી રહેલા જનરલ સુંદરજી, જનરલ દયાલ અને જનરલ બ્રારની રણનીતિ એવી હતી કે આખા અભિયાનને રાતના અંધારામાં અંજામ આપવામાં આવે.

એ રીતે દસ વાગ્યાની આસપાસ હુમલો કરાયો.

કાળા યુનિફૉર્મમાં સજ્જ પ્રથમ બટાલિયન અને પૅરાશૂટ રેજિમેન્ટના કમાન્ડોને નિર્દેશ અપાયા કે તેઓ પરિક્રમા તરફ આગળ વધે, જમણી બાજુ વળે અને જેમ બને એમ જલદી અકાલ તખ્ત તરફ પહોંચે.

પણ જેવા જ કમાન્ડો આગળ વધ્યા કે બન્ને તરફથી ઑટોમેટિક હથિયારો દ્વારા તેમના પર ગોળીઓ વરસાવવામાં આવી. બહુ ઓછા કમાન્ડો એવા હતા કે જે આ હુમલામાં બચી શક્યા.

તેમની મદદ માટે આવેલા લૅફ્ટનન્ટ કર્નલ ઇસરાર રહિમ ખાંના નેતૃત્વમાં પહોંચેલી દસમી બટાલિયનના ગાર્ડ્સે સીડીઓની બન્ને તરફના મશિનગનનાં ઠેકાણાંઓને નિષ્ક્રિય કર્યાં.

પણ, તેમના પર સરોવરની બીજી બાજુએથી ભારે ગોળીબાર થવા લાગ્યો.

કર્નલે સરોવરને પેલે પાર ભવન પર ગોળીઓ ચલાવવાની પરવાનગી માગી પણ એ સ્વીકારી શકાઈ નહીં.

કહેવાનો અર્થ એ કે સૈન્યને જે વિરોધનો સામનો કરવો પડ્યો એની એમણે કલ્પના પણ નહોતી કરી.


મજબૂત કિલ્લેબંદી

બ્રાર કહે છે, "તે તો પ્રથમ 45 મિનિટમાં જ ખબર પડી ગઈ હતી કે તેમનો પ્લાન, તેમના હથિયાર અને તેમની કિલ્લેબંદી એટલી મજબૂત છે કે તેને તોડવી મુશ્કેલ રહેશે."

"અમે ઇચ્છતા હતા કે અમારા કમાન્ડો સ્ટન ગ્રૅનેડનો ઉપયોગ કરે. સ્ટન ગ્રૅનેડનો જે ગૅસ હોય છે તેનાથી વ્યક્તિ મૃત્યુ પામતી નથી પરંતુ તેનું માથું દુખવા લાગે છે."

"તેનાથી આંખોમાં પાણી આવી જાય છે. તે યોગ્ય રીતે જોઈ શકતી નથી અને આ દરમિયાન અમારા જવાનોને અંદર જવાનો સમય મળી જાય."

"પરંતુ આ ગ્રેનેડને અંદર ફેંકવાનો કોઈ રસ્તો નહોતો. દરેક બારી અને દરવાજા પર રેતીની બૅગ લાગેલી હતી. ગ્રૅનેડ દીવાલ સાથે અથડાઈને પરત ફરી રહ્યા હતા અને અમારા જવાનો પર તેમની અસર થવા લાગી હતી."

માત્ર ઉત્તર અને પશ્ચિમ તરફથી જ ફાયરિંગ નહોતુ થઈ રહ્યું પરંતુ અલગતાવાદી જમીન નીચે મુખ્ય હૉલથી નીકળીને મશીનગનથી ફાયર કરી અંદર છુપાઈ જતા હતા.

જનરલ શાહબેગ સિંઘે લોકોને ઘૂંટણની આસપાસ ફાયર કરવાની ટ્રૅનિંગ આપી હતી, કેમ કે તેમને અંદાજ હતો કે ભારતીય સૈનિકો પેટથી ઘસડાતાં-ઘસડાતાં પોતાના લક્ષ્ય સુધી આગળ વધશે. પરંતુ ત્યારે કમાન્ડો ચાલીને આગળ વધી રહ્યા હતા.

આ જ કારણ છે કે વધારે સૈનિકોને પગમાં ગોળી લાગી હતી.

જ્યારે સૈનિકો આગળ વધતા રોકાઈ ગયા તો જનરલ બ્રારે આર્મર્ડ પર્સનલ કૅરિયરનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ જેવી રીતે એપીસી આગળ વધ્યું તો રૉકેટ લોન્ચ કરી ઉડાવી દીધા.


શક્તિશાળી પ્રકાશનો ફાયદો

"અમારો પ્રયત્ન હતો કે અમે અકાલ તખ્તની નજીક પહોંચી શકીએ, પરંતુ અમને ખ્યાલ નહોતો કે તેમની પાસે રૉકેટ લૉન્ચર્સ છે. તેમણે રૉકેટ લૉન્ચર ફાયર કરી એપીસીને ઉડાવી દીધું."

જે રીતે ચારે તરફથી ગોળી વરસી રહી હતી, તેનાથી ભારતીય જવાનો ધરાશાયી થઈ રહ્યા હતા અને આખરે જનરલ બ્રારે ટૅન્કની માંગ કરવી પડી.

મેં જનરલ બ્રારને પૂછ્યું કે શું ટૅન્કનો ઉપયોગ કરવો તે પહેલાંથી તમારા પ્લાનનો ભાગ હતો?

બ્રારનો જવાબ હતો, "જરા પણ નહી. ટૅન્કોને ત્યારે બોલાવામાં આવી જ્યારે અમને ખ્યાલ આવ્યો કે અમે અકાલ તખ્તની નજીક પણ પહોંચી શકીએ એમ નથી. અમને ભય હતો કે સવારે હજારો લોકો આવી જશે અને સૈનિકોને ઘેરી લેશે."

"ટૅન્કોનો ઉપયોગ અમે એટલા માટે કરવા ઇચ્છતા હતા કે તેના ઝિનોન બલ્બ અને હૅલોઝન બલ્બ ખૂબ જ શક્તિશાળી હોય છે. અમે તેના દ્વારા વિરોધીઓની આંખોને નુકસાન પહોંચાડી શકીએ કે જેથી તેઓ કંઈ ન જોઈ શકે અને અમે તેનો ફાયદો ઉઠાવી હુમલો કરી દઈએ."

તેઓ કહે છે, "પરંતુ આ બલ્બ વધારેમાં વધારે 20, 30 કે 40 સેકન્ડ સુધી જ પ્રજ્વલિત કરી શકાય છે."

"'બલ્બ ફ્યૂઝ થયા બાદ અમે ટૅન્કને પરત લઈ ગયા. પછી બીજી ટૅન્ક લાવ્યા, પરંતુ જ્યારે કશું સફળ થઈ રહ્યું નહોતું અને સવાર થઈ રહી હતી ત્યારે હુકમ કરી દીધો કે ટૅન્કના સૅકેન્ડરી આર્મામેન્ટથી અકાલ તખ્તના ઉપરના ભાગ પર ફાયર કરવામાં આવે, જેથી ઉપરથી પડનારા પથ્થરોથી લોકો ડરી જાય અને બહાર આવી જાય.''

ત્યારબાદ તો અકાલ તખ્તના લક્ષ્યને કોઈ અન્ય સૈનિક લક્ષ્ય જેવું જ માનવામાં આવ્યું.

પછી જ્યારે રિયારર્ડ જનરલ જગજીત સિંઘ અરોરાએ સુર્વણમંદિરની મુલાકાત લીધી તો તેમને જાણ થઈ કે ભારતીય ટૅન્કોએ અકાલ તખ્ત પર ઓછામાં ઓછા 80 ગોળા વરસાવ્યા હતા.


મૃત્યુની પુષ્ટિ

મેં જનરલ બ્રારને પૂછ્યું કે તમને ક્યારે ખ્યાલ આવ્યો કે ભિંડરાંવાલે અને જનરલ શાહબેગ સિંઘનું મૃત્યુ થયું છે?

બ્રારે જવાબ આપ્યો, ''આશરે 30થી 40 લોકોએ બહાર નીકળવા માટે દોડ લગાવી. અમને લાગ્યું કે એવી કોઈ વાત થઈ છે કે જેનાથી ફાયરિંગ બંધ થઈ ગયું."

"પછી મેં મારા જવાનોને અંદર જઈને તપાસ કરવા જણાવ્યું, ત્યારે મૃત્યુની ખબર પડી. પરંતુ આગામી દિવસે વાર્તાઓ શરૂ થઈ ગઈ કે તેઓ રાતે બચીને પાકિસ્તાન પહોંચી ગયા.''

''પાકિસ્તાની ટીવીએ જાહેરાત કરી રહી હતી કે ભિંડરાવાલે તેમની પાસે છે અને 30 જૂને તેઓ તેમને ટીવી પર દેખાડશે.''

તેઓ કહે છે, ''મારી પાસે સૂચના અને પ્રસારણ મંત્રી એચ. કે. એલ ભગત અને વિદેશ સચિવ રસગોત્રાનો ફોન આવ્યો કે પાકિસ્તાન કહી રહ્યું છે કે તેઓ જીવે છે અને તમે કહી રહ્યા છો કે તેઓ મરી ગયા છે.''

''મેં કહ્યું તેમની ઓળખ સામે આવી ગઈ છે. તેમનો દેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. તેમનું મૃત્યુ થયું છે. ભલે પછી પાકિસ્તાન ગમે તે બોલતું રહે.''

આ પૂર્ણ ઓપરેશનમાં ભારતીય સેનાના 83 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં અને 248 અન્ય સૈનિકો ઘાયલ થયા.

તે સિવાય 492 અન્ય લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ અને 1592 લોકોની ધરપકડ થઈ.

આ ઘટનાથી ભારત તો શું આખા વિશ્વમાં શીખ સમુદાયની ભાવનાઓ ઠેસ પહોંચી.

આ ભારતીય સેનાનો વિજય જરૂર હતો પરંતુ આને સૌથી મોટી રાજકીય હાર માનવામાં આવી.

તેનો સમયગાળો અને રણનીતિ પર ઘણા સવાલ ઉઠાવવામા આવ્યા અને અંતમાં ઇંદિરાએ ગાંધીએ પોતાના જીવન દ્વારા તેની કિંમત ચૂકવવી પડી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Operation Blue Star: which became the reason for the assassination of Indira Gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X