Opposition Meeting : વિપક્ષની આગળની બેઠક મુંબઈમાં, મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી
વિપક્ષી પાર્ટીઓની બેંગ્લોરમાં યોજાઈ રહેલી બે દિવસની બેઠક બાદ હવે આગામી બેઠક માટે મુંબઈમાં મંચ સજાવાની તૈયારીઓ શરૂ થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી બેઠક મુંબઈમાં યોજાવાની જાહેરાત કરી છે.
2024 લોકસભા ચૂંટણી કોંગ્રેસ સહિતના 26 પક્ષોએ ઈન્ડિયા નામે નવા મોરચાની જાહેરાત કરી છે. બેંગ્લોરમાં 26 વિપક્ષી પાર્ટીઓની બેઠક દરમિયાન ગઠબંધનના આ નવા નામ પર મહોર લગાવાઈ છે અને તે બાદ નેતાઓએ મીડિયા સાથે વાત કરી હતી.

મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તમામ 26 પક્ષોએ સાથે મળીને આ ગઠબંધનને ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ નામ આપ્યુ છે. અમે મહારાષ્ટ્રના મુંબઈમાં ફરી મળવાના છીએ. ત્યાં અમે સંયોજકોના નામ પર ચર્ચા કરીશું અને તેમના નામની જાહેરાત કરીશું.
મલ્લિકાર્જુન ખડગેએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, 11 સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવશે. મુંબઈની બેઠક માટે તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે. તેમણે કહ્યું કે, લોકશાહી અને દેશને બચાવવાના મુદ્દા પર ચર્ચા થઈ. ગઠબંધન માટેના નામ પર બધા સંમત થયા. અમે 2024ની લોકસભા ચૂંટણી એક થઈને લડીશું અને સફળ થઈશું.
બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેએ એનડીએની બેઠક પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પીએમ મોદી હવે તમામ ટુકડા જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, અમે 26 પાર્ટીઓની બેઠક યોજી. આ બેઠકમાં નવા ગઠબંધનને INDIA નામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજેપી હવે INDIA ને પડકારી શકે? શું NDA INDIA ને પડકારી શકે? શું કોઈ INDIA ને પડકાર આપી શકે છે? અમે દેશ માટે છીએ. અમે વિશ્વ માટે છીએ. અમે ખેડૂતો માટે છીએ. બધા માટે છીએ. જો કોઈ અમને પકડી શકે તો તો પકડી દેખાડે.
બીજી તરફ શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, રાજકારણમાં અલગ-અલગ વિચારધારા હોય પરંતુ અમે દેશ માટે એક છીએ. લોકોને લાગે છે કે આપણે પરિવારને બચાવવા એક થયા છીએ, દેશ આપણો પરિવાર છે અને તેને બચાવવા માટે આપણે એક થયા છીએ. અમે આ તાનાશાહી સરકાર સામે લડીશું.
બેઠક બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 26 પાર્ટીઓ એક થઈ છે, આ બીજી મીટિંગ હતી અને તે સારી વાત છે કે કુનબો વધી રહ્યો છે. આજે 26 પાર્ટીઓ પોતાના માટે એકઠી નથી થઈ, આપણે દેશને નફરતથી બચાવવાનો છે અને બીજી તરફ આપણે બધા નવા ભારતનું સ્વપ્ન લઈને એકઠા થયા છીએ.












Click it and Unblock the Notifications
