Pahalgam Terror Attack : પહેલગામ હુમલા અંગે દિલ્હીમાં બે કલાકની સર્વપક્ષીય બેઠકમાં શું શું થયું? જાણો વિગતે
Pahalgam Terror Attack : પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં રોષનો માહોલ છે. દિલ્હીમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં પાર્લામેન્ટ એનેક્સી બિલ્ડિંગમાં બે કલાકની સર્વપક્ષીય બેઠક યોજાઈ.
આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા, રાજકીય એકતા અને આતંકવાદ સામે કડક કાર્યવાહીની વાતો થઈ. આ બેઠકમાં ભારતીય વાયુસેનાના ઓપરેશન આક્રમણ અને INS સુરતના મિસાઈલ પરીક્ષણને લઈને પણ ચર્ચા થઈ.

બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસી, સંજય સિંહ અને સુદીપ બંદ્યોપાધ્યાય સહિતના નેતાઓએ હાજરી આપી.
આ તમામે એકસૂરમાં આતંકવાદ સામે કડક પગલાંની માંગ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે હુમલાની નિંદા કરીએ છીએ. વિપક્ષ સરકાર સાથે છે. તેમણે જાહેરાત કરી કે, હું આવતીકાલે અનંતનાગ જઈને ઘાયલોને મળીશ.
ઓવૈસીએ કહ્યું કે, સિંધુ જળ સંધિ રદ કરવી ઠીક છે, પણ નક્કર કાર્યવાહી જરૂરી છે. સંજય સિંહે સરકાર પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે સુરક્ષા એજન્સીઓને જાણ કર્યા વગર સ્થળ કેવી રીતે ખોલવામાં આવ્યું? સુરક્ષામાં ચૂક થઈ છે.
આ દરમિયાન, ભારતીય વાયુસેનાએ ઓપરેશન આક્રમણ શરૂ કર્યું. અંબાલા અને હાશીમારાથી બે રાફેલ સ્ક્વોડ્રન ઉડાન ભરી ચૂકી છે, જે જરૂર પડે તો જોરદાર જવાબ આપશે. બીજી તરફ અરબ સાગરમાં INS સુરતે સફળ મિસાઈલ પરીક્ષણ કર્યું, જે ભારતની સૈન્ય તૈયારીના સ્પષ્ટ સંકેત છે.
પાકિસ્તાનની એરફોર્સે 18 ફાઈટર જેટ કરાચીથી સરહદે મોકલ્યા છે અને નો-ફ્લાય ઝોન જાહેર કર્યો છે. પાકિસ્તાન 480 કિમીની મારક ક્ષમતાવાળી નવી મિસાઈલનું પરીક્ષણ કરવાની તૈયારીમાં છે. બંને પક્ષે શબ્દો અને શસ્ત્રોની તૈયારી શરૂ થઈ ગઈ છે.
આ બેઠકમાં હુમલાની નિંદા, સુરક્ષા ચૂક પર ચર્ચા અને પાકિસ્તાન પર દબાણની વાત થઈ. સૈન્યથી લઈને રાજદ્વારી વિકલ્પો સુધીના રસ્તા ખુલ્લા રાખવામાં આવ્યા. આ બેઠકે દેશની સુરક્ષા માટે રાજકીય એકતાનો સંદેશ આપ્યો.












Click it and Unblock the Notifications
