પાકિસ્તાને આ વર્ષે 96 વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો
નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર : ભારતના સુરક્ષા પ્રવક્તા એસ એન આચાર્યએ બુધવારે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સરહદ પરની મહત્વની ચોકીઓ અને નાગરિક વિસ્તારોને ટાર્ગેટ બનાવીને પાકિસ્તાને આ વર્ષે 96 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. છેલ્લા આઠ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ વખત પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કર્યો છે.
આચાર્યએ કહ્યું હતું કે સપ્ટેમ્બરના મહિનામાં પાકિસ્તાની સેનાએ 18 વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો છે. આનો મતલબ એ થયો કે પાકિસ્તાની સેનાએ આ મહિનામાં દરરોજ યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે જેના પરિણામ સ્વરૂપે ભારે તંગદિલીપૂર્ણ સ્થિતિ સરહદ પર રહી છે. આચાર્યનું કહેવું છે કે આ વર્ષે નવેમ્બરમાં યુદ્ધવિરામના અસ્તિત્વને લઈને એક દશક પૂર્ણ થનાર છે.

વર્ષ 2003માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સમજૂતિ થઈ હતી ત્યારબાદથી પાકિસ્તાને વારંવાર યુદ્ધવિરામનો ભંગ જારી રાખીને સમજૂતિઓનો ભંગ કર્યો છે. આ વર્ષે જમ્મુ - કાશ્મીરના એલઓસી, આંતરરાષ્ટ્રીય સરહદમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા ગોળીબાર અને દુસાહસના લીધે તંગદિલીપૂર્ણ સ્થિતિ રહી છે. છઠ્ઠી ઓગસ્ટ બાદથી દરરોજ પાકિસ્તાની સેના દ્વારા ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. છ જવાનો છઠ્ઠી ઓગસ્ટના દિવસે માર્યા ગયા હતા. એ દિવસે અગ્રિમ ચોકીઓ, નાગરિક વિસ્તારોમાં પાકિસ્તાની સેનાના જવાનો ધૂસી ગયા હતા અને છુપો હુમલો કરીને છ જવાનોને મોતને ધાટ ઉતારી દીધા હતા.
આ મુદ્દે સંરક્ષણ પ્રધાન એ કે એન્ટોનીએ માર્ચ મહિનામાં લોકસભામાં જણાવ્યું હતું કે ગયા વર્ષે જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા પર 93 વખત યુદ્ધવિરામનો ભંગ કરાયો હતો. ગયા વર્ષે ફાયરિંગ અને યુદ્ધવિરામના ભંગના સરહદી બનાવોમાં 10 સુરક્ષાજવાન સહિત 13 લોકો ધાયલ થયા હતા અને ત્રણ સુરક્ષા જવાનો માર્યા ગયા હતા.
પાકિસ્તાની સેનાએ 2010માં 44 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. જ્યારે 2011માં 51 વખત યુદ્ધવિરામનોભંગ કરાયો હતો. 2010માં યુદ્ધવિરામના ભંગ દરમિયાન બે જવાનોના મોત થયા હતા, જ્યારે 2011માં એકનું મોત થયું હતું. 2009માં યુદ્ધવિરામનો 28 વખત ભંગ થયો હતો. જ્યારે 2008માં 77 વખત પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આંકડાઓ દર્શાવે છે કે પાકિસ્તાની સેનાએ એનડીએના શાસન દરમિયાન પણ યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો પરંતુ તે ગાળા દરમિયાન ધણા વિશ્વાસ નિર્માણના પગલા લેવાયા હતા.
યુદ્ધવિરામ ભંગના આંકડા
વર્ષ યુદ્ધવિરામનો ભંગ
2006 3
2007 21
2008 77
2009 28
2010 44
2011 51
2012 93
2013 96












Click it and Unblock the Notifications
