Parliament round up day 2 : સંસદમાં બીજા દિવસ શું થયું? જાણો વિસ્તારથી...
સંસદના 25 દિવસના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. વિપક્ષના 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માગને સ્પીકર વેંકૈયા નાયડુએ નામંજૂર કર્યા બાદ વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
નવી દિલ્હી : સંસદના 25 દિવસના શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. વિપક્ષના 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માગને સ્પીકર વેંકૈયા નાયડુએ નામંજૂર કર્યા બાદ વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચારને કારણે રાજ્યસભાની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. હવે રાજ્યસભાની કાર્યવાહી બુધવારના રોજ સવારે 11 કલાકે શરૂ થશે. બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ક્રિપ્ટોકરન્સી પર ટૂંક સમયમાં બીલ લાવવામાં આવી રહ્યું છે.

વિપક્ષના 12 સાંસદોને સસ્પેન્ડ કરવા પર હોબાળો
શિયાળુ સત્રની બીજી રાજ્યસભામાં સાંસદોના સસ્પેન્શનને લઈને ભારે હોબાળો થયો હતો. વેંકૈયા નાયડુએ સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માગને નકારી કાઢી હતી, જેના પગલે વિપક્ષી નેતાઓએ રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યો હતો. વોકઆઉટ બાદ વિપક્ષે સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા પાસે પ્રદર્શન કર્યું હતું. તેમણે સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માગ કરી હતી. તેમણે સરકાર પર તાનાશાહીનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચારને કારણે લોકસભા બપોરે 3 કલાક સુધી સ્થગિત કરવામાં આવી હતી. 12 સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદો રાજ્યસભાના અધ્યક્ષને તેમનું સસ્પેન્શન પાછું ખેંચવા માટે પત્ર લખશે. તમામ સસ્પેન્ડેડ સાંસદ બુધવારના રોજ સંસદમાં ગાંધી પ્રતિમા સામે બેસી ધરણા કરશે.
કોવિડની કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે - આરોગ્ય મંત્રી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટ અત્યાર સુધીમાં 14 દેશોમાં જોવા મળ્યું છે, ભારતમાં અત્યાર સુધી કોઈ કેસ નોંધાયો નથી. આ અંગે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે. તેને રોકવા માટે નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે અને તેને લગતી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમારી પાસે સંસાધનોની અછત નથી, તેથી અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકીએ છીએ. કોવિડ સામે લડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ટૂંક સમયમાં આવશે ક્રિપ્ટોકરન્સી પર બીલ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે રાજ્યસભામાં ક્રિપ્ટોકરન્સી બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, "તે એક 'જોખમથી ભરેલું ક્ષેત્ર' છે અને સંપૂર્ણ નિયમનકારી માળખામાં નથી." ક્રિપ્ટોકરન્સીની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ભારતીય રિઝર્વ બેંક અને માર્કેટ રેગ્યુલેટર દ્વારા જાગૃતિ લાવવા માટે પગલાં લેવામાં આવ્યા છે. સરકાર ટૂંક સમયમાં એક બીલ રજૂ કરશે. સાંસદ સુશીલ કુમાર દ્વારા જાહેરાતો પર અંકુશ લગાવવા માટે લેવામાં આવેલા પગલાઓ વિશે પૂછવામાં આવતા સીતારમને કહ્યું કે, 'ક્રિપ્ટોકરન્સીની જાહેરાતોને રોકવા માટે હજૂ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, પરંતુ રોકાણકારોને સાવચેત કરવામાં આવ્યા છે.
સાંસદોએ માફી માંગવાનો કર્યો ઈન્કાર
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીના માફી માગતા ટ્વીટનો જવાબ આપતાં તૃણમૂલના સસ્પેન્ડેડ સાંસદ ડોલા સેને કહ્યું કે, "હું માફી નહીં માંગું. જેમણે ખોટો નિર્ણય લીધો છે, તેઓએ માફી માંગવી જોઈએ.
પીયૂષ ગોયલે સાંસદોના વર્તન પર ખેદ વ્યક્ત કર્યો
રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ ગૃહના નેતા પીયૂષ ગોયલે સાંસદોના વર્તન પર ખેદ વ્યક્ત કર્યો હતો. ચોમાસુ સત્રમાં વિપક્ષે જે રીતે વર્તન કર્યું તેના પર ખેદ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, સંસદે આવા ગેરવર્તણૂક છતાં સંયમ દાખવ્યો છે. ચોમાસુ સત્રમાં તેમણે તે દિવસે ગૃહમાં થયેલા હોબાળાની વિસ્તૃત માહિતી આપી હતી. 11 ઓગસ્ટ બાદ શિયાળુ સત્રનો પહેલો દિવસ હતો, એટલે કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ અમે બધા ઇચ્છીએ છીએ કે, તમામ સભ્યો ગૃહમાં આવીને તેમની ભૂલ માટે માફી માગે.
જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધીમાં આતંકવાદી હિંસામાં 40 નાગરિકોના મોત
કેન્દ્રએ આજે ગૃહને જણાવ્યું હતું કે, 2021માં આ મહિના સુધી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં 40 નાગરિકોના મોત થયા છે અને 72 ઘાયલ થયા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે પણ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 348 સુરક્ષાકર્મીઓ અને 195 નાગરિકોના મોત થયા છે.
2021માં 15 નવેમ્બર સુધી કુલ 40 નાગરિકો માર્યા ગયા અને 72 અન્ય ઘાયલ થયા હતા, એમ તેમણે એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું. રાયે કહ્યું કે, વર્ષ 2017માં 40, 2018માં 39 અને 2019માં 37 અને 2020માં 37 નાગરિકો માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે, 2017માં 80, 2018માં 91, 2019માં 80, 2020માં 62 અને 2021માં અત્યાર સુધીમાં 35 સુરક્ષાકર્મીઓ શહિદ થયા છે.












Click it and Unblock the Notifications
