Parliament Special Session : અધીર રંજન ચૌધરી રોષે ભરાયા, બોલ્યા - મારી જરૂર ન હોય તો બોલો, હું જતો રહીશ
Parliament Special Session : સોમવારના રોજ શરૂ થઇ રહેલા સંસદના વિશેષ સત્ર પહેલા રવિવારના રોજ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવા સંસદ ભવનની બિલ્ડિંગ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. આ દરમિયાન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, પીયુષ ગોયલ, અર્જૂન રામ મેઘવાળ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, વિપક્ષ તરફથી કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે તેમજ પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ હાજરી આપી ન હતી.

બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષી નેતા અધીર રંજન ચૌધરીને સામેલ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે પત્રકારોએ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેની ગેરહાજરી અંગે પ્રશ્નો પૂછ્યા તો અધીર ગુસ્સે થઈ ગયા હતા.
અધીર રંજન ચૌધરીએ જવાબ આપ્યો હતો કે, શું હું અહીં આવ્યો છું તે પૂરતું નથી? જો હું અહીં ઉપયોગી ન હોઉં તો મને કહો, હું જતો રહીશ. મીડિયાને સલાહ આપતાં તેમણે જણાવ્યું હતું કે, જે લોકો કાર્યક્રમમાં આવ્યા છે, તેના પર જ ધ્યાન આપો.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ન્યૂ સંસદ ભવન પર ધ્વજવંદન કાર્યક્રમના આમંત્રણમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ હૈદરાબાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં હતા, ત્યારે તેમને આમંત્રણ મળ્યું હતું.
આ અંગે તેમણે રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે, મને 15મી સપ્ટેમ્બરની મોડી સાંજે નવી સંસદ ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ માટેનું આમંત્રણ મળ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે હાલમાં કોંગ્રેસની નવી રચાયેલી કાર્ય સમિતિની બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. તેઓ રવિવારે રાત્રે દિલ્હી પરત ફરે તેવી શક્યતા છે. તેથી તેમણે જણાવ્યું છે કે, તેના માટે આ કાર્યક્રમમાં ભાગ લેવો શક્ય નથી.












Click it and Unblock the Notifications
