દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા PFIને કેન્દ્રએ ગેરકાયદે સંસ્થા કરી જાહેર, લગાવ્યો 5 વર્ષનો પ્રતિબંધ
પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા(PFI) સામે મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે તેને તાત્કાલિક અસરથી પાંચ વર્ષ માટે ગેરકાયદે સંગઠન જાહેર કર્યુ છે.
નવી દિલ્લીઃ પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા(PFI) સામે મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે તેને તાત્કાલિક અસરથી પાંચ વર્ષ માટે ગેરકાયદે સંગઠન જાહેર કર્યુ છે. કેન્દ્ર સરકાર વતી એવુ કહેવામાં આવ્યુ છે કે પીએફઆઈ અને તેની સાથે જોડાયેલા સંગઠનો અથવા તેની સાથે જોડાયેલા મોરચાને આગામી પાંચ વર્ષ માટે ગેરકાયદે સંગઠન તરીકે જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી પીએફઆઈના વિવિધ સ્થળોએ દરોડા પાડીને ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મંગળવારે પીએફઆઈ વિરુદ્ધ કેન્દ્ર દ્વારા બીજી સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. પીએફઆઈ સાથે જોડાયેલા 270 લોકોની 7 અલગ-અલગ રાજ્યોમાંથી અટકાયત કરવામાં આવી હતી. આ લોકો પર આરોપ છે કે તેઓ કદાચ હિંસા ફેલાવવા માટે મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરોડા દરમિયાન ઉત્તર પ્રદેશમાંથી 56, કર્ણાટકમાંથી 74, આસામમાંથી 23, દિલ્લીમાંથી 34, મહારાષ્ટ્રમાંથી 47, મધ્યપ્રદેશમાંથી 21, ગુજરાતમાંથી 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલા 22 સપ્ટેમ્બરે કેન્દ્રીય તપાસ એજન્સી(NIA)એ 15 અલગ-અલગ રાજ્યોમાંથી 106 લોકોની ધરપકડ કરી હતી. આ લોકો પર દેશમાં આતંકવાદી ગતિવિધિઓને સમર્થન કરવાનો આરોપ છે. NIA પીએફઆઈ સંબંધિત 19 કેસની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે પીએફઆઈ એક કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન છે. જેની રચના 2006માં થઈ હતી. જેમાં ઈસ્લામિક જૂથ નેશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટ, મનિથા નીતિ પસરાઈ અને કર્ણાટક ફોરમ ફૉર ડિગ્નિટીનુ વિલિનીકરણ કરવામાં આવ્યુ હતુ. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએફઆઈ મુખ્યત્વે ત્રણ સંસ્થાઓ ચલાવે છે, ઈન્ડિયન ફ્રેટરનિટી ફૉરમ, ઈન્ડિયન સોશિયલ ફૉરમ, રેહાબ ઈન્ડિયન ફાઉન્ડેશન.












Click it and Unblock the Notifications
