
PM મોદીએ ઓમિક્રોનની સ્થિતિ પર સમીક્ષા બેઠક યોજી!
નવી દિલ્હી, 23 ડિસેમ્બર : દેશમાં કોરોના વાયરસ 'ઓમિક્રોન' ના વધતા જતા કેસોની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રોગચાળાની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સરકારના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, વડા પ્રધાને આરોગ્ય નિષ્ણાતો અને અધિકારીઓ સાથે દેશમાં આ વૈશ્વિક રોગચાળાની નવીનતમ સ્થિતિની સમીક્ષા કરી અને ભવિષ્યના પગલાં વિશે ચર્ચા કરી હતી. અત્યાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના 200 થી વધુ કેસ નોંધાયા છે.
પીએમ મોદી આ બેઠક એવા સમયે યોજી રહ્યા છે જ્યારે ભારતમાં ઓમિક્રોનના 236 કેસ નોંધાયા છે, જેમાંથી 104 લોકો ચેપ મુક્ત થયા છે અથવા અન્ય સ્થળોએ સ્થળાંતર કરી ચૂક્યા છે. અત્યાર સુધીમાં દેશના 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 65 કેસ છે, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ નોંધાયા છે.
આ પહેલા કેન્દ્રએ રાજ્યો સાથે બીજી સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આવતા વર્ષે ચૂંટણી થનાર રાજ્યો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. કેન્દ્રએ આ રાજ્યોને ઓમિક્રોનના ફેલાવાને ધ્યાનમાં રાખીને રસીકરણ કવરેજને ઝડપી બનાવવા જણાવ્યું હતું. કેન્દ્રએ રાજ્યોને આગામી તહેવારોના સપ્તાહ પહેલા સ્થાનિક નિયંત્રણો પર વિચાર કરવા પણ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું કે કોરોના વાયરસનું ઓમાઇક્રોન સ્વરૂપ તેના ડેલ્ટા સ્વરૂપ કરતાં ઓછામાં ઓછું ત્રણ ગણું વધુ ચેપી છે.
કેન્દ્રએ રાજ્યોને કોવિડ-19થી પ્રભાવિત વસ્તી, ભૌગોલિક વિસ્તાર, હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેનો ઉપયોગ, માનવબળ, કન્ટેઈનમેન્ટ ઝોનની સૂચના અને જિલ્લા સ્તરે કન્ટેઈનમેન્ટ ઝોનના અમલીકરણ અંગેના ડેટાની સમીક્ષા કરવા જણાવ્યું છે. ઇમરજન્સી ઓપરેશન સેન્ટરોને સક્રિય કરવા સાથે જિલ્લા અને સ્થાનિક સ્તરે કડક અને તાત્કાલિક નિવારણ પગલાં લેવા પણ જણાવાયુ છે.
ઓમિક્રોનના સંક્રમણ દરને જોતા દેશમાં એન્ટી-કોવિડ રસીના બૂસ્ટર ડોઝ આપવાની પણ માંગ છે. ઘણા દેશોમાં બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યા છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોવિડ-19 અને ઓમિક્રોનનો સામનો કરવા માટે ઇમ્યુનાઇઝેશનની પ્રગતિ તેમજ રાજ્યોની જાહેર આરોગ્ય તૈયારીઓની સમીક્ષા કરતી વખતે રાજ્યોને રોગચાળા સામે લડવા માટે તેમની સજ્જતા વધારવાની સલાહ આપી હતી.