PM Modi In Kolkata: 'રાષ્ટ્રપતિનું અપમાન કર્યું,' કોલકાતામાં PM મોદીનો TMC પર સીધો પ્રહાર
PM Modi In Kolkata: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળ માટે ₹18,680 કરોડની કનેક્ટિવિટી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે ભારતભરના વિકાસનું એક નવું પ્રકરણ બંગાળથી લખાઈ રહ્યું છે. તેમણે રોડ, રેલ અને બંદર સાથે જોડાયેલી ઘણી મોટી યોજનાઓની શરૂઆત કરી, જેનાથી રાજ્યમાં કનેક્ટિવિટી મજબૂત થવાની અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા છે.

વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું- 'શ્રી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, ઋષિ બંકિમચંદ્ર, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર, ખુદીરામ બોઝ અને ડો. શ્યામા પ્રસાદ મુખર્જી જેવી તમામ મહાન વિભૂતિઓએ જે બંગાળની કલ્પના કરી હતી, ભાજપ સરકાર તેવું જ બંગાળ બનાવશે અને તેનું પુનઃનિર્માણ કરશે.'
તેમણે ઉમેર્યું કે આ પરિયોજનાઓ પશ્ચિમ બંગાળ અને સમગ્ર પૂર્વી ભારતની પ્રગતિને નવી ગતિ આપશે. ખડગપુર-મોરેગ્રામ એક્સપ્રેસવે બનવાથી રાજ્યના ઘણા ભાગોમાં રોજગારની નવી તકો ઊભી થશે અને લોકોનું જીવન સરળ બનશે.
TMC પર પીએમ મોદીનો હુમલો
કોલકાતામાં પીએમ મોદીએ TMC પર નિશાન સાધતા કહ્યું- 'TMCએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે. TMC વાળા ઘૂસણખોરોને બોલાવે છે. આ લોકો ના પોતે કામ કરશે અને ના બીજાને કરવા દેશે. મોદીની ગેરંટી છે કે અમે યુવાનોના સપના પૂરા કરીશું.' તેમણે આરોપ લગાવ્યો કે જ્યાં સુધી TMCને પોતાનો હિસ્સો (કમિશન) નથી મળતો, ત્યાં સુધી તેઓ યોજનાઓને ગરીબો સુધી પહોંચવા દેતા નથી.
બંગાળની રાજનીતિ પર બોલ્યા પીએમ મોદી
વડાપ્રધાને કહ્યું કે પહેલા કોંગ્રેસ, પછી ડાબેરીઓ અને હવે TMC- આ તમામે બંગાળના વિકાસને પાછળ ધકેલ્યો છે. તેમણે કહ્યું કે હવે બંગાળમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. "જે લોકો બંગાળમાં જંગલરાજ લાવ્યા છે, તેમના શાસનનો અંત આવવાનો છે. બંગાળમાં કાયદાનું શાસન પરત આવશે." તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ જનસભાને રોકવા માટે પુલ બંધ કરવા અને પોસ્ટરો ફાડવા જેવા હથકંડા અપનાવવામાં આવ્યા હતા, પરંતુ જનમેદનીને રોકી શકાઈ નથી.
મુખ્ય વિકાસ યોજનાઓની વિગતો
- આર્થિક કોરિડોર: 231 કિમી લાંબા ચાર લેન ખડગપુર-મોરેગ્રામ ઇકોનોમિક કોરિડોરનો શિલાન્યાસ કર્યો. આનાથી મુસાફરીનું અંતર 120 કિમી ઘટશે અને 7થી 8 કલાકનો સમય બચશે.
- બ્રિજ અને બાયપાસ: 5.6 કિમી લાંબા દુબરાજપુર બાયપાસ અને NH-14 પર કાંગસાબતી અને શિલાબતી નદીઓ પર ચાર લેનના મોટા પુલોનું નિર્માણ કરવામાં આવશે.
- રેલવે પ્રોજેક્ટ: પુરુલિયા-આનંદ વિહાર ટર્મિનલ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. અમૃત સ્ટેશન યોજના હેઠળ 6 સ્ટેશનો (હલ્દિયા, તમલુક વગેરે) ના પુનઃવિકાસનું ઉદ્ઘાટન કર્યું.
- બંદર અને જળમાર્ગ: હલ્દિયા ડોક કોમ્પ્લેક્સના મશીનીકરણ અને કોલકાતાના ખિદ્દરપુર ડોકના પુનરોદ્ધાર પર ભાર મૂક્યો. સાથે જ રિવર ક્રૂઝ ટર્મિનલ અને નદી પર્યટન સુવિધાઓની પણ શરૂઆત કરી.












Click it and Unblock the Notifications
