પીએમ મોદી આજે કરશે અટલ સેતુનુ ઉદ્ઘાટન, જાણો તેમાં શું છે ખાસ
Atal Setu: વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે મહારાષ્ટ્રમાં મુંબઈથી નવી મુંબઈને જોડતા લિંક રોડ અટલ સેતુનું ઉદ્ઘાટન કરશે. આ દેશનો સૌથી મોટો દરિયાઈ પુલ હશે, જેનું નામ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પુલનો શિલાન્યાસ કર્યો હતો, જે હવે 7 વર્ષ બાદ અટલ સેતુ તરીકે પૂર્ણ થયો છે. આ બ્રિજના નિર્માણથી, બે સમુદ્રી કિનારા - મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ બંદર વચ્ચેની કનેક્ટિવિટી ખૂબ જ સરળ બનશે. 21.8 કિલોમીટર લાંબા આ પુલમાં કુલ 6 લેન છે.

આ પ્રોજેક્ટમાં કુલ રૂ. 17840 કરોડનો ખર્ચ બજેટ તરીકે પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે પીએમ મોદી ત્યાં રૂ. 30,500 કરોડની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેઓ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ દેશવાસીઓને સમર્પિત કરશે. અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદી આ પુલ પરથી મુંબઈથી નવી મુંબઈની મુસાફરી કરશે.
અટલ સેતુ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઈંધણની બચત તેમજ મુંબઈના ભારે ટ્રાફિકથી રાહત આપવાનો છે. આ ઉપરાંત મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારત જવા માટે લાગતો સમય પણ બચશે. અટલ સેતુ માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ખૂબ જ મજબૂત અને ફાયદાકારક પ્રોજેક્ટ હશે.
અટલ સેતુ એ ભારતના મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફ કેન્દ્રનો એક મોટો પ્રોજેક્ટ છે. આ ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે, જેનો ખર્ચ બજેટ 17840 કરોડ રૂપિયા છે. આ સાથે અટલ સેતુમાં ઘણી મહત્વપૂર્ણ વિશેષતાઓ છે. અટલ સેતુના ઉદ્ઘાટન પહેલા મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના કમિશનરે ભારતના આ મોટા પ્રોજેક્ટ વિશે ઘણી મોટી વાતો કહી છે. તેમણે કહ્યું કે અટલ સેતુ હાવડા બ્રિજ કરતા ચાર ગણો લાંબો છે. જ્યારે પુલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા છ ગણો વધુ કોંક્રીટ ધરાવે છે.
અટલ સેતુ અંગે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના કમિશનરે જણાવ્યું હતું કે, "આ બ્રિજના નિર્માણ માટે જે સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે એફિલ ટાવર કરતા 17 ગણો વધુ છે. જ્યારે તેની લંબાઈ હાવડા બ્રિજ કરતા ચાર ગણી વધારે છે. સી લિન્કના નિર્માણમાં જે કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સ્ટેચ્યુ ઑફ લિબર્ટી કરતા છ ગણુ વધુ છે.
એમએમઆરડીએના મેટ્રોપોલિટન કમિશનરે જણાવ્યું હતું કે બ્રિજ ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક સહિત નવીનતમ તકનીક અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. MMRDA મેટ્રોપોલિટન કમિશનરે જણાવ્યું હતું કે, "આ બ્રિજની સૌથી મહત્વની વિશેષતાઓમાંની એક તેની પર્યાવરણીય ટકાઉપણું છે. બૉમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, એક પર્યાવરણીય સંસ્થાએ પણ આ માઈલસ્ટોન માટે પ્રશંસાનું પ્રમાણપત્ર આપ્યું છે."












Click it and Unblock the Notifications
