Priyanka Gandhi : પ્રિયંકા ગાંધી પણ સંસદ પહોંચી શકે છે, જાણો કેવી રીતે?
Priyanka Gandhi : લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી-અમિત શાહને જમીન પર લાવવામાં રાહુલ ગાંધી સાથે સાથે પ્રિયંકા ગાંધીની પણ મોટી મહેનત છે. હવે અહેવાલ છે કે પ્રિયંકા ગાંધી બહુ જલ્દી સંસદમાં જોવા મળી શકે છે.
કેન્દ્રમાં ગઠબંધનની સરકાર બનાવવા ચાલી રહેલી મથામણો વચ્ચે સતત નવા નવા સમાચાર આવી રહ્યા છે. 4 જૂને જાહેર થયેલા લોકસભા ચૂંટણીના પરિણામોમાં કોઈ એક પક્ષને પૂર્ણ બહુમતી મળી નથી.

સૌથી મોટી પાર્ટી બીજેપીને 240 સીટો મળી છે, જો કે એનડીએ બહુમતને પાર 292 પર છે. આ દરમિયાન ભાજપને સૌથી મોટો ફટકો યુપીમાંથી લાગ્યો છે, જ્યાં ભાજપની સીટો 62થી ઘટીને 33 થઈ ગઈ છે.
આ વખતે કોંગ્રેસનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. યુપીમાં ઈન્ડિયા ગઠબંધને એસપી 37 અને કોંગ્રેસ 6 બેઠકો સહિત 43 બેઠકો કબજે કરીને કમાલ કરી છે. લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત સાથે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે શું કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાંસદ બનશે?
આ વખતે ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ પાર્ટી માટે સખત મહેનત કરી છે. જો કે તેમણે ચૂંટણી લડી નથી પરંતુ કોંગ્રેસના સમર્થનમાં વિશાળ રેલીઓ યોજી અને ભાજપને મજબૂત રીતે ઘેરી હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી પણ લોકસભામાં પ્રવેશ કરી શકે છે.
રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ અને યુપીની રાયબરેલી બંને સીટો પરથી બમ્પર જીત નોંધાવી છે. જો કે, મંગળવારે જ્યારે રાહુલ ગાંધીને પરિણામો પછી પૂછવામાં આવ્યું કે તેઓ કઈ સીટ રાખવા ઈચ્છે છે, તો તેમણે કોઈ નક્કર જવાબ આપ્યો નથી.
પરંતુ બંધારણીય જોગવાઈઓ મુજબ રાહુલ ગાંધીએ એક બેઠક છોડવી પડશે. આ સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું પ્રિયંકા ગાંધી તે એક બેઠકનું પ્રતિનિધિત્વ કરશે? કારણ કે જો રાહુલ ગાંધી એક બેઠક ખાલી કરશે તો કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવશે તે જોવું રહ્યું.
જો કે, ચૂંટણીના પરિણામો પહેલા એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે જો જનતાને લાગે છે કે તેમને ચૂંટણી લડવી જોઈએ તો તેઓ ચોક્કસથી ચૂંટણી લડશે. આ સ્થિતિમાં બે બેઠકો પર રાહુલની જીત બાદ પ્રિયંકા ચૂંટણી લડશે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકો પરથી બમ્પર વોટથી ચૂંટણી જીતી છે. રાહુલ ગાંધી વાયનાડ સીટ પરથી 3 લાખ 64 હજાર વોટથી જીત્યા છે જ્યારે રાયબરેલી સીટ પર 3 લાખ 90 હજાર વોટથી જીત મેળવી છે.












Click it and Unblock the Notifications
