Bihar Election 2025 : બિહારમાં મતદાન પહેલા વોટ ચોરી રોકવા Gen-Z ને રાહુલ ગાંધીની અપીલ
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનતાને લોકશાહી બચાવવા અને બિહારને જગાડવા માટે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.
તેમણે 6 નવેમ્બરે મતદાન કરવા અને વોટ ચોરીથી સાવચેત રહેવા જણાવ્યું હતું. આ અપીલ પટના, દરભંગા સહિત 17 જિલ્લાની 121 બેઠકો પર યોજાનાર મતદાન પહેલાં કરવામાં આવી છે. બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થશે અને 14 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

નવી દિલ્હીથી આવેલી માહિતી મુજબ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર યુવાનોને સંબોધતા કહ્યું કે, "બિહારના મારા યુવા સાથીઓ, મારા Gen Z ભાઈઓ અને બહેનો, ગુરુવારનો દિવસ માત્ર મતદાનનો દિવસ નથી, પરંતુ બિહારના ભવિષ્યની દિશા નક્કી કરવાનો દિવસ છે. તમારામાંથી ઘણા પહેલીવાર વોટ આપવા જઈ રહ્યા છો, આ ફક્ત તમારો અધિકાર નથી, પરંતુ લોકશાહીની સૌથી મોટી જવાબદારી છે. તેમણે મહાગઠબંધનને મત આપવા અપીલ કરી.
રાહુલ ગાંધીએ હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વોટ ચોરી અને જનતાનો અવાજ દબાવવાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, હવે તેમની નજર બિહાર પર છે, તમારા વોટ પર, તમારા ભવિષ્ય પર છે. ગાંધીએ લોકોને 6 નવેમ્બરે મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચીને મહાગઠબંધનના ઉમેદવારને મત આપવા વિનંતી કરી.
તેમણે લોકોને બૂથ પર થતા કોઈપણ ષડયંત્ર અથવા ગેરરીતિ પ્રત્યે સતર્ક રહેવા જણાવ્યું. રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે બિહારનું ભવિષ્ય જનતાના હાથમાં છે અને વોટ ચોરી, સરકાર ચોરીના આ ષડયંત્રને હરાવવાની જરૂર છે. તેમણે સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને પોતાના મતથી લોકશાહી બચાવવા અને બિહારને જગાડવાનું આહ્વાન કર્યું. તેમણે જય હિન્દ, જય બિહાર કહીને પોતાની અપીલ સમાપ્ત કરી.
ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 6 નવેમ્બર, ગુરુવારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. આ તબક્કામાં પટના, દરભંગા, મધેપુરા, સહરસા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સીવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, લખીસરાય, મુંગેર, શેખપુરા, નાલંદા, બક્સર અને ભોજપુર જિલ્લાની 121 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે અને મતગણતરી 14 નવેમ્બરે થશે.












Click it and Unblock the Notifications
