Republic Day 2025 : PM નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની શુભકામના પાઠવી, જાણો શું કહ્યું?
Republic Day 2025 : ભારતના 76માં પ્રજાસત્તાક દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. કર્તવ્ય પથ પર ભવ્ય પરેડ પહેલા પીએમ મોદીએ દેશના શહિદોને યાદ કર્યા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરશે.

પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આજે આપણે આપણા ભવ્ય પ્રજાસત્તાકની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે આપણે તે બધા મહાન વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપીએ, જેમણે આપણા બંધારણનો મુસદ્દો બનાવીને આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા પર આધારિત હોય તે સુનિશ્ચિત કર્યું.
તેમણે આગળ કહ્યું કે, મને આશા છે કે આ રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટેના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે આ પ્રસંગે દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે: હું ફરી એકવાર આપ સૌને પ્રજાસત્તાક દિવસના અવસર પર અભિનંદન આપું છું. હું દેશની સરહદોની રક્ષા કરતા સૈનિકો તેમજ સરહદોની અંદર સુરક્ષા જાળવતા પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોને અભિનંદન આપું છું. હું ન્યાયતંત્ર, અમલદારશાહી અને વિદેશમાં આપણા દૂતાવાસોના સભ્યોને પણ અભિનંદન આપું છું.
ભારત આજે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે, જેમાં દેશની લશ્કરી શક્તિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો દર્શાવવા ભવ્ય પરેડ યોજાશે. આ વર્ષની ઉજવણી ખાસ છે કારણ કે આ બંધારણની 75મી વર્ષગાંઠ છે.
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યાં છે અને 352 સભ્યોની ઇન્ડોનેશિયન માર્ચિંગ અને બેન્ડ ટુકડી પરેડમાં ભાગ લેશે.












Click it and Unblock the Notifications
