ફોન ટેપિંગના કારણે થયા હતા સામંથાના ડિવૉર્સ? શંકાના ઘેરામાં તત્કાલીન તેલંગાણા સરકાર
Telangana Telephone Tapping: તેલંગાણામાં લોકસભા ચૂંટણી પહેલા ફોન ટેપિંગ વિવાદને લઈને રાજકારણ ચરમસીમા પર છે. તેલંગાણા ઈન્ટેલિજન્સ બ્યુરોના ભૂતપૂર્વ વડા ટી પ્રભાકર રાવનુ આ કેસમાં મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે.
ટી પ્રભાકર રાવ પર તેલંગાણામાં અગાઉની BRS સરકાર દરમિયાન વિપક્ષી નેતાઓ તેમજ તેલુગુ કલાકારો અને ઉદ્યોગપતિઓના ફોન ગેરકાયદેસર રીતે ટેપ કરવાનો અને તેમના આદેશો પર ડેટા એકત્રિત કરવાનો આરોપ છે.

હવે આ સમગ્ર મામલામાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. તેલંગણામાં ટેલિફોન ટેપિંગના એક અત્યંત ગંભીર મામલામાં ટૉલીવુડ અભિનેત્રી સામંથા રૂથ પ્રભુનું નામ સામે આવ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તત્કાલીન સરકારી ટીમે અભિનેત્રીના ફોન ટેપ કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના છૂટાછેડાનું આ એક કારણ હતું.
NDTVના અહેવાલો અનુસાર, કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની તેલંગાણાની અગાઉની BRS સરકાર પર રાજ્ય ગુપ્તચર બ્યુરો દ્વારા ફોન ટેપ કરીને વિપક્ષી નેતાઓની જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કુલ એક લાખથી વધુ ફોન ટેપ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ, ભાજપ અને બીઆરએસના નેતાઓ તેમજ ઘણા તેલુગુ કલાકારો અને ઉદ્યોગપતિઓ સર્વિંલાંસમાં હતા.
આ સમગ્ર મામલામાં અત્યાર સુધીમાં ત્રણ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે, જેમાં એડિશનલ ડીસીપી તિરૂપતન્ના, એડિશનલ એસપી એન ભુજંગા રાવ અને ડેપ્યુટી એસપી પ્રનીત રાવનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે સામંથા અને નાગા ચૈતન્યના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ બંને વર્ષ 2021માં ડિવોર્સ લઈને અલગ થઈ ગયા હતા. બે વર્ષ સુધી મિત્રતા અને ડેટિંગ પછી, સામંથા અને નાગા ચૈતન્યએ 2017માં લગ્ન કર્યા હતા.












Click it and Unblock the Notifications
