24 કલાકમાં SBI ઘુંટણીએ, ઈલેક્ટોરલ બોન્ડની વિગતો ચૂંટણી આયોગને સોંપી
ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢ્યા બાદ મોડી મોડી એસબીઆઈની શાન ઠેકાણે આવી છે. એસબીઆઈએ બોન્ડના ડેટા ચૂંટણી આયોગને આપી દીધા છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ મંગળવારે સાંજે 5.30 વાગ્યે ચૂંટણી પંચને સંપૂર્ણ ડેટા સોંપ્યો છે. બાર એન્ડ બેન્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી.

ચૂંટણી પંચે કહ્યું કે તે આ સંપૂર્ણ ડેટા 15 માર્ચ સુધીમાં અપલોડ કરશે. ચૂંટણી પંચ ઈલેક્ટોરલ બોન્ડની ખરીદીને પણ સાર્વજનિક કરશે, જે અત્યાર સુધી માત્ર સીલબંધ પરબિડીયાઓમાં સુપ્રીમ કોર્ટમાં સબમિટ કરવામાં આવતા હતા.
આ દરમિયાન સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં રાષ્ટ્રપતિને પત્ર લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સરકારે રાષ્ટ્રપતિ દ્વારા કાયદાકીય અભિપ્રાય મેળવવો જોઈએ અને ત્યાં સુધી સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અમલ ન કરવો જોઈએ.
આ પહેલા ઈલેક્ટોરલ બોન્ડની માહિતી આપવા સંબંધિત મામલામાં એસબીઆઈની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. SBI સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમય માંગી રહી હતી. તેના પર CJI DY ચંદ્રચુડે પૂછ્યું કે છેલ્લી સુનાવણીથી 26 દિવસમાં તમે શું કર્યું?
ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે ડેટા જાહેર કરવાની સમયમર્યાદા 30 જૂન સુધી લંબાવવાની SBIની અરજીને ફગાવી દીધી. ચુકાદો આપતાં બેન્ચે કહ્યું કે SBIએ 12 માર્ચ સુધીમાં તમામ માહિતી જાહેર કરે. ચૂંટણી પંચે 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ માહિતી એકઠી કરે અને વેબસાઈટ પર પ્રકાશિત કરે.
સુપ્રીમ કોર્ટે SBIને કહ્યું કે જો તે તેની સૂચનાઓ અને સમયમર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો કોર્ટ તેની સામે ઇરાદાપૂર્વક આજ્ઞાભંગ માટે કાર્યવાહી કરી શકે છે.
જણાવી દઈએ કે આ પહેલા 15 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય આપતાં કેન્દ્રની ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી અને તેને ગેરબંધારણીય ગણાવી હતી. અને બોન્ડ આપનારા અને લેનારાઓને 13 માર્ચ સુધીમાં જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
