મહિલા અધિકારીઓને પ્રમોશન ન આપતા હોય તો પુરુષોનુ પણ અટકવુ જોઈએઃ સેનામાં ભેદભાવ પર સુપ્રીમ કોર્ટ
સેનામાં મહિલા અને પુરુષો વચ્ચે કરવામાં આવી રહેલ ભેદભાવ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે.
Promotion in Army: સેનામાં મહિલા અને પુરુષો વચ્ચે કરવામાં આવી રહેલ ભેદભાવ પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. વાસ્તવમાં સેનાના અધિકારીઓએ સિલેક્શન બોર્ડની રચના કરી કે જે પુરુષ અધિકારીઓને કર્નલ રેન્ક પર પ્રમોશન આપવા માટે રચવામાં આવી હતી પરંતુ મહિલા અધિકારીઓના પ્રમોશન માટે આવુ કરવામાં આવ્યુ નહિ. જેના પર સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે કે તે જણાવે કે મહિલા અધિકારીઓને પ્રમોશન આપવા માટે શું પગલાં લઈ રહી છે.

તમને જણાવી દઈએ કે 34 મહિલા અધિકારીઓએ આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મહિલાઓ વતી કોર્ટમાં હાજર થયેલા એડવોકેટ વી મોહનાએ આરોપ લગાવ્યો કે મહિલા અધિકારીઓથી જુનિયર એવા પુરૂષ અધિકારીઓને બઢતી આપવામાં આવી રહી છે જે સુપ્રીમ કોર્ટના આદેશનુ સીધુ ઉલ્લંઘન છે. જેમાં કોર્ટે કહ્યુ છે કે કાયમી કમિશન મહિલાઓ માટે બનાવવામાં આવે અને તેમને તેનો લાભ મળવો જોઈએ. પરંતુ મહિલા અધિકારીઓ માટે આવુ કરવામાં આવ્યુ ન હતુ. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને બે સપ્તાહમાં જવાબ આપવા કહ્યુ છે કે મહિલાઓ માટે કાયમી કમિશન અંગે શું પગલાં લેવામાં આવી રહ્યા છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના 2020 અને 2021ના આદેશને ટાંકીને એડવોકેટે કહ્યુ કે મહિલા અધિકારીઓને કાયમી કમિશન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો પરંતુ મહિલા અધિકારીઓને ખોટી રીતે અભ્યાસ માટે રજા આપવામાં આવી ન હતી, તેમને ડેપ્યુટેશન આપવામાં આવ્યુ ન હતુ. મહિલાઓ હજુ પણ આડકતરી રીતે આ લિંગભેદનો ભોગ બની રહી છે. વકીલે કહ્યુ કે સૈન્ય અધિકારીઓએ જાહેરાત કરી હતી કે સુપ્રીમ કોર્ટના 24 માર્ચ, 2021ના આદેશનુ પાલન કરવા માટે વિશેષ પસંદગી બોર્ડની રચના કરવામાં આવશે. પરંતુ આજદિન સુધી આવા કોઈ પસંદગી મંડળની રચના કરવામાં આવી ન હતી. જ્યારે પુરુષોને પ્રમોશન આપવા માટે બે બોર્ડ બનાવવામાં આવ્યા હતા.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેંચે આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી છે. કોર્ટે કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ આર બાલાસુબ્રમણ્યમને કહ્યુ કે જો એવુ હોય તો પુરુષોને કર્નલના પદ પર પ્રમોશન આપવા માટે રચવામાં આવેલ બોર્ડને પણ રોકી દેવુ જોઈએ. જેના પર બાલાસુબ્રમણ્યને ખાતરી આપી હતી કે કર્નલના 150 પદો પર પ્રમોશનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે, એકવાર તે પૂર્ણ થઈ જાય પછી આ મહિલા અધિકારીઓ આ પદ પર પ્રમોશન માટે પાત્ર બનશે. વકીલે ખાતરી આપી હતી કે મહિલા અધિકારીઓ સાથે કંઈ ખોટુ થશે નહિ.
તમને જણાવી દઈએ કે મહિલા અધિકારીઓ વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં મોટાભાગની મહિલાઓ એવી છે જેમને 199 થી 2007 વચ્ચે સેનામાં નોકરી મળી હતી. મહિલા અધિકારીઓનો આરોપ છે કે અમારા પ્રમોશનને બાયપાસ કરીને જુનિયર પુરૂષ અધિકારીઓને બઢતી આપવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયના ત્રણ વર્ષ બાદ મહિલા અધિકારીઓ તરફથી આ અરજી દાખલ કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2020માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સેનામાં મહિલાઓના પ્રમોશન માટે કાયમી કમિશન બનાવવાનો આદેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
