Bihar SIR : બિહાર SIR મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, આધારને લઈને મોટી વાત કહી
Bihar SIR : ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે આધાર કાર્ડને એકમાત્ર પુરાવા તરીકે ગણી શકાય નહીં, તેવું સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે.
તાજેતરમાં બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારણા (Special Intensive Revision) વિવાદ દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં આધારની કાનૂની મર્યાદાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું કે, આધાર એ ઓળખની પુષ્ટિ કરતો એક દસ્તાવેજ હોઈ શકે છે પરંતુ તે નાગરિકતાનો એકમાત્ર પુરાવો નથી. અદાલતે સ્પષ્ટ કર્યું કે આધારની કિંમત આધાર અધિનિયમ (Aadhaar Act) અને અગાઉના કાયદાકીય નિર્ણયોમાં નિર્ધારિત મર્યાદાઓ સુધી જ સીમિત છે.
આ મુદ્દો ત્યારે ઉભો થયો જ્યારે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી કે ચૂંટણી પંચ (EC) 65 લાખ નામો હટાવ્યા બાદ પણ આધારને એક સ્વતંત્ર પુરાવા તરીકે સ્વીકારી રહ્યું નથી.
આના જવાબમાં બેન્ચે કહ્યું કે, અમે આધારની કાયદેસરતાને આધાર અધિનિયમની વ્યાખ્યાથી આગળ વધારી શકતા નથી. અમે 2018ના પુટ્ટાસ્વામી કેસમાં પાંચ જજોની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્ણયથી પણ આગળ જઈ શકીએ નહીં.
આધાર અધિનિયમની કલમ 9 સ્પષ્ટપણે જણાવે છે કે, માત્ર આધાર નંબર અથવા તેનું ઓથેન્ટિકેશન નાગરિકતા કે રહેઠાણનો પુરાવો નથી. આ જ વાતને સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2018ના પુટ્ટાસ્વામી ચુકાદામાં પણ પુનરાવર્તિત કરી હતી, જેમાં કહેવાયું હતું કે માત્ર આધાર નંબરથી નાગરિકતા કે નિવાસનો અધિકાર સાબિત કરી શકાતો નથી.
કોર્ટમાં હાજર અન્ય રાજકીય પક્ષો અને અરજદારોએ જ્યારે આધારને નાગરિકતાના પુરાવા તરીકે માનવાની જરૂરિયાત પર ભાર મૂક્યો ત્યારે બેન્ચે પ્રશ્ન કર્યો કે, આધાર પર આટલો ભાર શા માટે મૂકવામાં આવી રહ્યો છે? અમે એવો આદેશ નહીં આપીએ કે આધાર નાગરિકતાનો અંતિમ પુરાવો છે.
ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ દલીલ કરી કે, કેટલાક જિલ્લાઓમાં આધાર સેચ્યુરેશન (saturation) 140% જેટલું છે, જે નકલી કાર્ડની મોટી સંખ્યા તરફ ઈશારો કરે છે. કેન્દ્ર સરકારે પણ કોર્ટને જાણ કરી કે અનેક રાજ્યોમાં ગેરકાયદેસર પ્રવાસીઓ જેવા કે બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓએ પણ ખોટી રીતે આધાર કાર્ડ મેળવી લીધા છે.
આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને સલાહ આપી કે તેઓ તેમના બૂથ લેવલ એજન્ટ્સ (BLAs) અને કાર્યકરોને સક્રિય કરે. જેથી જે લોકોના નામ ભૂલથી મતદાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે તેમને ઓળખી શકાય અને યોગ્ય પ્રક્રિયા દ્વારા તેમના દાવા અને વાંધા નોંધાવીને અંતિમ મતદાર યાદીમાં તેમના નામ ફરીથી ઉમેરી શકાય.












Click it and Unblock the Notifications
