મનીષ સિસોદિયા આ શરતો પર મળ્યા જામીન - સોમવારે પોલીસ સ્ટેશનમાં હાજરી, વિદેશ જવા પર રોક...
Manish Sisodia Bail: દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાને એક્સાઈઝ પૉલિસી કેસમાં જામીન મળી ગયા છે. મનીષ સિસોદિયાની સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરી 2023ના રોજ અને ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા 9 માર્ચ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હી દારૂ કૌભાંડમાં ટ્રાયલ શરૂ કરવામાં વિલંબને કારણે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને CBI અને ED બંને કેસમાં જામીન આપ્યા છે. મનીષ સિસોદિયા 17 મહિના બાદ દિલ્હીની તિહાર જેલમાંથી બહાર આવશે.

સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને આ શરતો પર જામીન આપ્યા
સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને ત્રણ શરતો પર જામીન આપ્યા છે. સૌથી પહેલા 10 લાખ રૂપિયાના બૉન્ડ ભરવાના રહેશે. બીજી શરત એ છે કે મનીષ સિસોદિયા વિદેશ જઈ શકશે નહીં અને પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. ત્રીજી શરત એ છે કે તેઓએ દર સોમવાર અને ગુરુવારે પોલીસ સ્ટેશનમાં હાજરી નોંધાવવી પડશે.
મનીષ સિસોદિયાએ બે જામીનદાર પણ રજૂ કરવા પડશે. આ ઉપરાંત ગુરૂવારે તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવાની સૂચના પણ આપવામાં આવશે. કોર્ટે કહ્યું કે તેમણે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કે પુરાવા સાથે ચેડા કરવાનો કોઈ પ્રયાસ ન કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસમાં મોટા ભાગના પુરાવા એકત્ર કરી લેવામાં આવ્યા છે. તેથી છેડછાડની કોઈ શક્યતા નથી. જો કે, સાક્ષીઓ પર તેમને પ્રભાવિત કરવાની અથવા ડરાવવાની શક્યતાના સંબંધમાં હજુ પણ શરતો લાદવામાં આવી શકે છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે (મનીષ સિસોદિયા) સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તેમના ભાગી જવાની કોઈ શક્યતા નથી. તેમ છતાં તેમને તેમનો પાસપોર્ટ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
