Telangana Election Result 2023: ડીકે શિવકુમારે કેસીઆર પર લગાવ્યો ગંભીર આરોપ
Telangana Election Result 2023: તેલંગાણા સહિત પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું છે. જેનું પરિણામ 3 ડિસેમ્બરના રોજ જાહેર થવાનું છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટેની મત ગણતરી આવતીકાલે થવાની છે, એ પહેલા એક્સિટ પોલમાં તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બને તેવી આગાહી કરી છે.
કોંગ્રેસની મજબૂત સ્થિતિમાં હોવાની સાથે જ તેલંગાણામાં જોડતોડની રાજનિતિ શરૂ થઇ ગઇ છે. જે કારણે કોંગ્રસ હાઇ કમાન્ડ જોડતોડની રાજનિતિથી બચવાના ઉપાય કરવામાં જોડાઇ ગઇ છે. આ દરમિયાન કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે મોટો દાવો કર્યો છે.

કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું છે કે, તેલંગાણાના મુખ્યમંત્રી અને ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ના પ્રમુખ કે ચંદ્રશેખર રાવ (KCR) એ કોંગ્રેસના ઉમેદવારોનો સંપર્ક કર્યો છે. શિવકુમારનો દાવો છે કે, તેમના ઉમેદવારોએ જ તેમને આ અંગે જાણ કરી છે.
DK શિવકુમારે જણાવ્યું હતું કે, અમે જાણીએ છીએ કે, તેઓ (BRS) અમને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમારા ઉમેદવારોએ અમને જાણ કરી છે કે, CM (KCR) એ પોતે તેમનો સંપર્ક કર્યો છે, તેથી અમારી પાસે માહિતી છે. જોકે, કોંગ્રેસના નેતા અને કર્ણાટકના ઉપમુખ્યમંત્રીએ તેલંગાણામાં પાર્ટીની જીત અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
શિવકુમારે જણાવ્યું હતું કે, આ પાર્ટીનું કામ છે, તેથી તેઓ તેલંગાણા જઈ રહ્યા છે. કર્ણાટક ચૂંટણી દરમિયાન તેલંગાણાની આખી ટીમ પણ મદદ માટે આવી હતી. અમે જોઈશું કે, પરિણામો પછી શું થશે. કોઈ સમસ્યા નથી. કોઈ ખતરો નથી. અમને વિશ્વાસ છે કે, અમારી પાર્ટી આરામથી જીતશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ દાવો કર્યો હતો કે, તેમને ઘણા BRS નેતાઓના ફોન આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો પરિસ્થિતિ માંગશે, તો તે તમામ નેતાઓએ સૌથી જૂની પાર્ટી (કોંગ્રેસ)માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા રેણુકાએ કહ્યું હતું કે, તેઓ (BRS) ગયા વખતે અમારા 12 ધારાસભ્યોને લઈ ગયા હતા, પરંતુ આ વખતે તેમણે પ્રયાસ કરવો પડશે કે, તેમના લોકો અમારી પાસે ન આવે.
જો એક્ઝિટ પોલના પરિણામો પર વિશ્વાસ કરવામાં આવે, તો કોંગ્રેસ બહુમતી સાથે તેલંગાણામાં સરકાર બનાવી શકે છે. આવા સમયે, BRS જીતની હેટ્રિકથી વંચિત જણાય છે.
સર્વે અનુસાર કોંગ્રેસનો વોટ શેર વધીને 42 ટકા થવાની સંભાવના છે. જ્યારે BRSનો વોટ શેર ઘટીને 36 ટકા થઈ શકે છે. ભાજપને 14 ટકા વોટ શેર મળવાની ધારણા છે. આવા સમયે, ઓવૈસીની આગેવાની હેઠળની AIMIMને 3 ટકા વોટ અને અન્યને 5 ટકા વોટ મળી શકે છે.
તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ 119 વિધાનસભા મતવિસ્તારો પર મતદાન થયું હતું. ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બર, રવિવારે જાહેર થવાના છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસ બહુમતીથી જીતતી જોવા મળી રહી છે.
અત્યાર સુધી આંધ્રપ્રદેશથી અલગ થઈને 2014માં સ્વતંત્ર રાજ્ય બનેલા તેલંગાણામાં સત્તા BRSના હાથમાં હતી. 2018માં BRSએ 119 માંથી 88 બેઠકો જીતી હતી અને 47.4 ટકા વોટ શેર હતો. કોંગ્રેસ 19 બેઠકો સાથે બીજા ક્રમે છે.












Click it and Unblock the Notifications
