ગુજરાતીમાં એક કહેવત છે કે ભાવતું હતું અને વૈદ્યે કીધું. હાલના રાજકિય માહોલને જોવામાં આવે અને તેમાં પણ ખાસ કરીને દિલ્હીનાં રાજકારણ પર વિશેષ ધ્યાન આપવામાં આવે તો ઉક્ત કહેવત ફીટ બેસે છે. પોતાની મહત્વકાંક્ષાઓની પૂર્તિ કરવા માટે રાજકારણમાં ઝંપલાવનાર આમ આદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલે પોતાના હઠ સ્વભાવનો પરચો આપીને દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. એ ‘આમ આદમી' કે જે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા તે પહેલા દિલ્હીની જનતાને એક સુશાસન આપવાની વાત કરતા હતા તેઓએ ગઇ કાલે પોતાની જીદ અને હઠનાં કારણે દિલ્હીને રામ ભરોસે મુકીને મુખ્યમંત્રી પદી છોડી દીધું.
અરવિંદ કેજરીવાલે ગઇ કાલે રાજીનામું આપ્યું તેને લઇને ટ્વિટર પર તેની આકરી ટીકા કરવામાં આવી, કેટલાકે તેમને ભગોડા પણ ઘોષિત કર્યાં. તો બીજી તરફ રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે પણ તેમના પર માછલા ધોયા હતા. જો કે, અત્યારે વાત તેમની ટીકાઓની નહીં પરંતુ એ વાતની કરવાની છે કે, આખરે શા માટે અરવિંદ કેજરીવાલ કે જેઓ સતત દિલ્હીને એક સારી અને દિલ્હીની જનતા માટે કાર્ય કરે તેવી સરકાર આપવાની વાતો કરતા હતા, તેઓએ આમ નાટ્યાત્મક રીતે રાજીનામું આપી દીધું.
અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં મુખ્યમંત્રી રહીને દિલ્હી માટે ઘણું બધુ કરી શક્યા હોત કારણ કે તેમને મુખ્યમંત્રી તરીકે દિલ્હીની જનતાએ એટલા માટે જ પંસદ કર્યા હતા કે તેમને એવું લાગતુ હતું કે કેજરીવાલ કંઇક કરી શકે છે, પરંતુ દિલ્હીમાં સત્તા હાસલ થયા બાદ કેજરીવાલમાં પરિવર્તન આવ્યું અને તેમની મહત્વકાંક્ષાઓ પણ વધી. તેમણે આપેલા રાજીનામાંની પાછળ સ્પષ્ટ રીતે કહીંએ તો તેમની લોકસભા માટેની લાલચ પણ છે. જેનું તાજુ ઉદાહરણ આમ આદમી પાર્ટી દ્વારા આગામી અઠવાડિયાથી દેશના વિવિધ ભાગોમાં કાઢવામાં આવી રહેલી ઝાડૂ યાત્રા છે. તો ચાલો તસવીરો થકી અન્ય મુદ્દાઓ પર નજર ફેરવીએ.

તેમની સાચી નિયત બહાર આવી ગઇ
દિલ્હીમાં કોંગ્રેસની ભ્રષ્ટ સરકારથી જનતા ત્રસ્ત થઇ ગઇ હતી, જેથી તેમણે ભાજપ અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને ખોબો ભરીને મત આપ્યા, જેના કારણે એકપણ પાર્ટીને બહુમતિ મળી નહીં, તેમ છતાં કેજરીવાલે સરકાર બનાવવા માટે દિલ્હીની જનતાને પૂછ્યું અને જનતાએ હોંશે હોંશે તેમને સરકાર બનાવવા હામી પણ ભરી. દિલ્હીની જનતાને હતું કે કેજરીવાલમાં દિલ્હી માટે કંઇક કરવાનો જુસ્સો છે, જો કે સરકાર બનાવ્યા બાદ તેમની સાચી નીયત ધીરે ધીરે બહાર આવવા લાગી. તેમની હંગામેદાર કાર્યશીલતામાં હઠતાના અને પોતાની પાર્ટીના નેતા પ્રત્યેના તેમના ઉદાર વલણના દર્શન દિલ્હીએ કર્યાં.

મીડિયાએ ઉભી કરેલી હવામાં બહેકી ગયા
ન્યૂઝ ચેનલ્સમાં ટીઆરપી સૌથી વધુ મહત્વ ધરાવતી હોય છે, અને જે રીતે અરવિંદ કેજરીવાલે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી પહેલા માહોલ ઉભો કર્યો તેનાથી મીડિયાએ આમ આદમી પાર્ટીનો એક ખાસ માહોલ ઉભો કરી દીધો હતો, મીડિયા દ્વારા ઉભો કરવામાં આવેલા આ માહોલમાં અરવિંદ કેજરીવાલ સંપૂર્ણપણે બહેકી ગયા અને આ સાથે જ તેમનામાં લોકસભાની ચૂંટણીમાં પોતાનો દમ દર્શાવવાની મહત્વકાંક્ષા જાગવા લાગી હતી, આ મહત્વકાંક્ષાના કારણે તેમને દિલ્હીની સત્તા ખૂંચવા લાગી હતી અને તેઓ દિલ્હીથી બહાર નીકળવા માગતા હતા.

જન લોકપાલ બિલે આપી એ તક
જ્યારે તેમને લાગ્યું કે, દિલ્હીની જેમ તેમનો જાદૂ દેશમાં પણ ચાલી શકે છે, ત્યારે તેમને એ વાતની પણ સાથોસાથ અનુભૂતિ થવા લાગી કે ક્યાંકને ક્યાંક તેઓ દિલ્હી સુધી જ સીમિત રહી જશે. તેઓ દિલ્હીની બહાર નીકળવાની એક સાચી તકની રાહ જોઇ રહ્યાં હતા. એ તક જન લોકપાલ બીલે આપી. તેઓ એ વાતથી માહિતગાર હતા કે કોઇપણ બીલ પાસ કરાવવું હોય તો કેન્દ્રની મંજૂરી લેવી જરૂરી છે, છતાં તેમણે કેન્દ્રને અવગણ્યું અને જન લોકપાલ બિલને મુદ્દો બનાવી તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. જેનાથી તેઓએ દિલ્હીની જનતા પરનો પોતાનું જાદૂ જાળવી પણ રાખ્યો અને લોકસભા માટેનો રસ્તો પણ સાફ કરી લીધો.

ઓપીનિયન પોલે કેજરીવાલને ગભરાવ્યા
રાજીનામું આપવા પાછળ અન્ય એક કારણ પણ જવાબદાર હોઇ શકે છે. એ છે, લોકસભાની ચૂંટણીને લઇને વિવિધ ચેનલ્સ દ્વારા કરવામાં આવેલા ઓપિનિયન પોલ છે. છેલ્લા થોડાક સમયમાં વિવિધ ચેનલ્સ દ્વારા જે સર્વે હાથ ધરવામાં આવ્યા તેમાં આમ આદમી પાર્ટીને 10થી 15 બેઠકો મળશે તેમ જણાવવામાં આવી રહ્યું છે, તેમાં પણ ખાસ મહત્વનું એ છે કે સી વોટર્સ અને ઇન્ડિયા ટીવી દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તેમાં આમ આદમી પાર્ટીને માત્ર સાત બેઠકો જ મળી શકે છે, તેમ જણાવવામાં આવ્યું, જ્યારે કે કેજરીવાલને એવી આશા હતી કે તેમની પાર્ટી 50 જેટલી બેઠકો લાવી શકે છે. આમ ઓપીનિયન પોલ થકી તેમને લાગ્યું કે દેશમાં પાર્ટીની લોકપ્રિયતા ઘટી રહી છે.

શા માટે કાઢવામાં આવી રહી છે ઝાડૂ યાત્રા
આમ આદમી પાર્ટીના ગોપાલ રાયે કહ્યું છે કે, આમ આદમી પાર્ટી દ્વારા ભારતમાં ઝાડૂ યાત્રા કાઢવામાં આવશે. જે એ વાતનું સ્પષ્ટીકરણ છે કે, આમ આદમી પાર્ટી માટે હવે દિલ્હી એટલું મહત્વ ધરાવતું નથી, જેટલું તેમણે જ્યારે આ પાર્ટીને ઉભી કરી ત્યારે હતું, તેમનો એકમાત્ર હેતુ લોકસભામાં પોતાની હાજરી નોંધાવવાનો છે અને તેથી જ તેઓ દિલ્હીના બદલે દેશ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે અને દેશભરમાં ઝાડૂયાત્રા કાઢી રહ્યાં છે.