કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં બિલ્કીસ બાનોના દોષિતોને મુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો!
બિલ્કિસ બાનોના દોષિતોને મુક્ત કરવાનો મુદ્દો દિવસે દિવસે દિવસે ગરમાઈ રહ્યો છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે દોષિતોને છોડવા માટે મંજૂરી આપી હતી.
નવી દિલ્હી : બિલ્કિસ બાનોના દોષિતોને મુક્ત કરવાનો મુદ્દો દિવસે દિવસે દિવસે ગરમાઈ રહ્યો છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે દોષિતોને છોડવા માટે મંજૂરી આપી હતી. હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ કંઈક આવુ જ કહેવાયુ છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ બિલ્કીસ બાનોના દોષિતોને છોડાવવાનો બચાવ કરતા કહ્યું કે આ કાયદા હેઠળ થયું છે અથવા કરવામાં આવ્યું છે. મને આમાં કંઈ ખોટું દેખાતું નથી, કારણ કે આ પ્રક્રિયા કાયદા અનુસાર કરવામાં આવી છે. જોશીએ કહ્યું કે જેલમાં પૂરતો સમય વિતાવનારા દોષિતોને મુક્ત કરવાની કાયદામાં જોગવાઈ છે.

ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી છે, આવી સ્થિતિમાં બિલ્કીસ બાનોના દોષિતોની મુક્તિનો મુદ્દો ગુજરાતમાં ફરી ગરમાયો છે. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, દોષિતોએ 14 વર્ષથી વધુનો જેલવાસ પૂર્ણ કર્યો છે. જેલમાં તેની વર્તણૂક સારી હોવાનું જાણવા મળ્યું હતું અને કેન્દ્રએ પણ તેની મુક્તિને મંજૂરી આપી હતી, ત્યારબાદ તેને મુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારના આ નિવેદન બાદ હવે કેન્દ્ર સરકાર ભીંસમાં આવી છે ત્યારે પ્રહલાદ જોશીએ આ નિર્ણયનો બચાવ કર્યો છે.
બિલ્કિસ બાના દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલે સોગંદનામું દાખલ કરીને ગુજરાત સરકાર દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. રાજ્ય સરકારે કહ્યું કે, પોલીસ અધિક્ષક, સીબીઆઈ સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચ મુંબઈ અને સીબીઆઈ કોર્ટના સ્પેશિયલ સિવિલ જજ, સિટી સિવિલ અને સેશન્સ કોર્ટ દ્વારા દોષિતોની અકાળે મુક્તિનો વિરોધ કરવામાં આવ્યો હતો.
બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો અને તેની ત્રણ વર્ષની પુત્રી સહિત 14 લોકોની 3 માર્ચ 2002ના રોજ હત્યા કરવામાં આવી હતી. આ વર્ષે 15 ઓગસ્ટે ગુજરાત સરકારે બિલ્કીસ બાનોના 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. 2008માં કોર્ટે આ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. દોષિતોને મુક્ત કર્યા બાદ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. નોંધનીય છે કે CPI(M)ના નેતા સુભાષિની અલી અને પત્રકાર રેવતી લોલે બિલ્કીસ બાનોના દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.












Click it and Unblock the Notifications
