Heatwave Advisory: કેન્દ્ર સરકારે 'લૂ'થી બચાવ માટે જાહેર કરી એડવાઈઝરી, જાણો શું કરવુ અને શું ના કરવુ?
નવી દિલ્લીઃ દેશમાં ગરમીનુ રૌદ્ર સ્વરુપ યથાવત છે. 'લૂ'ની થપાટોએ સામાન્ય માનવી માટે જીવવુ મુશ્કેલ બનાવી દીધુ છે. જો કે, આજથી લઈને આવતા 3-4 દિવસ સુધી હવામાનમાં ફેરફાર જોવા મળશે, ઘણા રાજ્યોમાં તો આંધી-વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે પરંતુ ત્યારબાદ પારો વધશે માટે કેન્દ્ર સરકારે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 'લૂ'થી બચાવ માટે એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે એડવાઈઝરીમાં રાજ્ય સરકારોને 'લૂ'ના દર્દીઓના ઈલાજ માટે પૂરતી આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાની વાત કહી છે તેમજ લોકોને 'લૂ' દરમિયાન શું કરવુ અને શું ના કરવુ તે વિશે જણાવ્યુ છે.
'લૂ' દરમિયાન શું કરવુ અને શું ના કરવુ
- જરુર વિના તડકામાં ઘરની બહાર ન નીકળવુ.
- બપોરના સમયે બહાર વધુ મહેનતવાળા કામ ન કરવા જેથી તમારી એનર્જી ન ઘટે.
- બપોર 12થી 3 સુધી ઘરમાં જ રહેવાની કોશિશ કરો.
- દારુ, ચા, ક઼ફી અને સૉફ્ટ ડ્રિંક ન પીવા.
- તડકામાં ઉભેલી કારની અંદર બાળકો કે પાલતુ જાનવરોને એકલા ન મૂકવા.
- તડકામાં સિંથેટીક અને ટાઈટ કપડા ન પહેરવા. સુતરાઉ અને ઢીલ કપડાનો ઉપયોગ કરવો.
- જો ઘરમાંથી નીકળવુ જ પડે તો હંમેશા માથુ ઢાંકીને રાખવુ.
- આંખો માટે સનગ્લાસનો ઉપયોગ કરવો.
- અચાનક ઠંડી જગ્યાએથી એકદમ ગરમ જગ્યાએ ન જવુ.
- વધુને વધુ પાણી પીવુ
- બહારનુ ભોજન ન લેવુ.
- જો તબિયત ખરાબ લાગે તો સ્હેજ પણ વિલંબ કર્યા વિના ડૉક્ટરને મળવુ.
- જો લૂ લાગી જાય અને તાવ આવે તો ડૉક્ટરને પૂછ્યા વિના દવા ન લેવી.
- જો કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય કે ઉલટી કરી રહ્યો હોય તે તેને પીવા માટે કંઈ પણ ન આપવુ.
- દર્દીને એવા રૂમમાં ન રાખવો જ્યાં સીધો તડકો આવતો હોય.
- એસીવાળી રુમમાંથી બહાર નીકળીને સીધા તડકામાં ન જવુ.
- તડકામાંથી આવી તરત હાથ-મોઢુ ન ધોવા અને પાણી પણ ન પીવુ. 5-10 મિનિટ રાહ જોવી.
તમને જણાવી દઈએ કે હાલમાં સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારત અત્યંત ભીષમ ગરમીની ચપેટમાં છે. આકાશમાંથી આગના ગોળા વરસી રહ્યા છે અને લોકોનુ બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ છે. જો કે, હવામાન વિભાગને કહ્યુ છે કે 4 મે બાદ સ્થિતિ બદલાશે અને અમુક સ્થળોએ હળવો વરસાદ અને આંધી-તોફાનની સંભાવના છે.